વડોદરા : શિક્ષક દિવસના અવસર પર રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુના હસ્તે સમગ્ર દેશમાંથી કૌશલ્ય વિકાસ અને ઉદ્યોગસાહસિકતા મંત્રાલય હસ્તકના સ્કીલ ઈન્ડિયા અને ટેકનિકલ શિક્ષણ સાથે જોડાયેલા કુલ ૧૬ શિક્ષકોને નેશનલ ટીચર્સ એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો. આ ૧૬ શિક્ષકોમાં ગુજરાતના એક માત્ર શ્રેષ્ઠ શિક્ષક દર્શનાબેન કડિયાનો પણ સમાવેશ થાય છે. ગુજરાત અને વડોદરા માટે ગૌરવની વાત છે કેમ કે આ શિક્ષક દશરથ આઈ. ટી. આઈ. ના ઈલેક્ટ્રીશીયન ટ્રેડના સુપરવાઈઝર ઈન્સ્ટ્રક્ટર છે.
દર્શનાબેન કડિયા આઇટીઆઇમાં ૧૨ વર્ષથી સેવા આપી રહ્યા છે. તેઓઈલેક્ટ્રીશીયન ટ્રેડમાં તાલીમાર્થીઓને તકનીકી અને રોજગારલક્ષી પ્રશિક્ષણ આપે છે. તેઓએ ઈલેક્ટ્રીશીયન ટ્રેડમાં નવતર પ્રયોગને પ્રાધાન્ય આપી આ ટ્રેડને તાલીમાર્થીઓ માટે વધુ રૃચિકર અને સરળ બનાવ્યો છે. તેના કારણે તેમની પાસે તૈયાર થયેલા ૧૫૦થી વધારે વિદ્યાર્થીઓમાંથી ૨૫ જેટલા વિદ્યાર્થીઓ હાલ બહુરાષ્ટ્રીય કંપનીઓમાં નોકરી કરી રહ્યા છે. આ ઉપરાંત અનેક વિદ્યાર્થીઓ સરકારી વીજ કંપનીઓ તથા રેલવેમાં પણ ફરજ બજાવી રહ્યા છે. નેશનલ ટીચર્સ એવોડ બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ રૃબરૃ મળી અભિનંદન પાઠવ્યા હતા.