વડોદરાઃ હરણી મોટનાથ રોડ પર એક ડુપ્લેક્સમાં ત્રાટકેલા ચોરો અંદાજે ૮૦ તોલા જેટલા સોનાના દાગીના તેમજ અન્ય ચીજો ઉઠાવી ગયા હોવાનો બનાવ બનતાં પોલીસ દોડતી થઇ છે.
મોટનાથ મહાદેવ મંદિર સામે આવેલા કામાક્ષી ડુપ્લેક્સમાં ભાડેથી રહેતા અને વાઘોડિયાની હિન્ડાલ્કો કંપનીમાં ડેપ્યુટી મેનેજર તરીકે ફરજ બજાવતા ઉધ્ધવકુમાર મોતીલાલ પ્રસાદ ગઇ તા.૩ જી સપ્ટેમ્બરે પત્ની સાથે ગોવા ગયા હતા તે દરમિયાન ચોરોએ તેમના ભાડાના ડુપ્લેક્સને નિશાન બનાવ્યું હતું.
ઉધ્ધવકુમારે કહ્યું છે કે,તા.૬ઠ્ઠીએ અમે ગોવામાં હતા ત્યારે પાડોશી હેમાલીબેને ફોન કરીને મકાનના દરવાજા ખુલ્લા હોવાની અને ચોરી થઇ હોય તેમ લાગતું હોવાની જાણ કરી હતી.જેથી હું અને મારા પત્ની તરત જ ફ્લાઇટમાં અમદાવાદ અને ત્યારબાદે વડોદરા આવ્યા હતા.
આ વખતે અમારા મુખ્ય દરવાજા તેમજ અન્ય દરવાજાઓના લોક તૂટેલા જણાઇ આવ્યા હતા.ગ્રાઉન્ડ ફ્લોર તેમજ ઉપરના માળના દિવાન પલંગની ચીજવસ્તુઓ પણ વેરવિખેર હતી.તપાસ કરતાં ચોરો બે મંગળસૂત્ર,સોનાના ૫ સેટ,૧૦ ચેન,કડુ, બ્રેસલેટ,વીંટીઓ,ગીની,ઝુમખા સહિતની અંદાજે ૮૦ તોલા જેટલા સોનાના દાગીના ચોરી ગયા હોવાનું જણાઇ આવ્યંુ હતું.ચોરો ચાંદીના દાગીના તેમજ સાડીઓ ભરેલી બે ટ્રોલી મળી કુલ રૃ.૩૫ લાખ ઉપરાંતની મત્તા ચોરી ગયા હોવાનું જણાઇ આવ્યું હતું.હરણી પોલીસે બનાવ અંગે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
ભાડાના મકાનમાં રહેતા ડે.મેનેજરના મકાનમાં દાગીનાનો જથ્થો હોવાની જાણ ચોરો સુધી કેવી રીતે પહોંચી
જાણભેદુ ની સંડોવણી હોવાની આશંકા, ડીસીપી પન્ના મોમાયાએ ટીમો બનાવી, ફૂટેજ મેળવશે
ભાડાના મકાનમાં રહેતા ડે.મેનેજરના મકાનમાં દાગીના હોવાની અને તેઓ બહાર ગામ ગયા છે તેની જાણ ચોરો સુધી કેવી રીતે પહોંચી તે પોલીસ માટે તપાસનો વિષય છે.
ડીસીપી પન્ના મોમાયાએ કહ્યું હતું કે, ઉધ્ધવકુમાર બહારગામ ગયા તે જ વખતે રૃ.૩૫ લાખ જેટલી મત્તાની ચોરીનો બનાવ બનતાં જુદીજુદી ટીમો કામે લાગી છે.
પોલીસ દ્વારા શકમંદોની પણ તપાસ કરવામાં આવી રહી છે અને સીસીટીવી ફૂટેજ મેળવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.