BJP Gujarat: ભારે વરસાદે ગુજરાતને તહસનહસ કરી નાંખ્યુ છે. સૌરાષ્ટ્ર-કચ્છથી લઈને દક્ષિણ ગુજરાતમાં ભારે નુકશાન થયુ છે. આ વિકટ પરિસ્થિતી વચ્ચે ભાજપે સદસ્યતા અભિયાનનો પ્રારંભ તો કર્યો છે. પરંતુ ભાજપના નેતાઓને લોકોના મહેણાં ટોણાં સાંભળવા મજબૂર થવુ પડ્યુ છે. સભ્ય બનવા માટે ભાજપના નેતાઓ લોકોને વિનવણી કરી રહ્યાં છે તો લોકો એક જ સવાલ પૂછી રહ્યાં છે કે, ભાજપના સભ્ય બનીને ફાયદો શું? પહેલાં મોંઘવારી, બેરોજગારીનું કઈક કરોને.
લોકો રાજ્ય સરકાર પર ફિટકાર વરસાવી રહ્યા છે
આ વખતે ભારે વરસાદને કારણે ગુજરાતમાં અતિવૃષ્ટિ જેવી સ્થિતી પરિણામી છે. વડોદરામાં તો પૂર આવતાં મકાનો પાણીમાં ગરકાવ થયા હતાં લોકોને ઘરમાં બીજા માળે જ નહીં, ઘણાંએ મકાનની છત પર આશરો લેવો પડ્યો હતો. વરસાદી પાણીની નિકાલને લઇને સરકારની નિષ્ક્રિયતા છતી થતાં ગુજરાતીઓ સરકાર પર ફિટકાર વરસાવી રહ્યા છે. તેનુ કારણ એ છે કે, આ વખતે વરસાદી પાણીએ લોકોને ભારે નુકશાન પહોંચાડ્યુ છે. આ વિકટ સ્થિતિમાં ભાજપના નેતા-કાર્યકરો ડોક્યા નથી પરિણામે વડાદરોવાસીઓ ભાજપના મંત્રી-ધારાસભ્યો,કોર્પોરેટરોને ભગાડી મૂક્યા હતાં.
આ પણ વાંચો: ‘ફ્લડ ટુરિઝમ’ બાદ ભાજપના મંત્રીઓ ચૂંટણીમાં ‘મસ્ત’, ગુજરાતની પ્રજા હજુ પણ તકલીફોમાં વ્યસ્ત
આ સંજોગો વચ્ચે ગુજરાતની ભગવાને ભરોસે છોડીને ભાજપે સદસ્યતા અભિયાન શરૂ કર્યુ છે તેમાંય સાંસદો, ધારાસભ્યોથી માંડીને મ્યુ.કોર્પોરેટરોને સભ્યો નોધવા માટે ટાર્ગેટ અપાયો છે. ખુદ ભાજપના કાર્યકરોમાં જ ગણગણાટ છે કે, સભ્ય બનવા માટે કયા મોઢે લોકોને ફોન કરવો. ભલે સભ્ય બનાવવા માટે ટાર્ગેટ અપાયો હોય પણ સભ્ય નોધણી કરવી લોઢાના ચણા ચાવવા સમાન છે. અત્યારે તો ખુદ ભાજપના નેતાઓથી માંડીને કાર્યકરોમાં એક સવાલ છે કે, કેટલાં સભ્ય બનાવ્યાં?
ભાજપના નેતાઓ પ્રજાના ટોણાં સાંભળવા મજબૂર
સરકારની નિષ્ક્રિયતાને પગલે લોકોમાં રોષ ભભૂક્યો છે તે જોતાં લોકો ભાજપના નેતાઓને અનેક સવાલો પૂછી રહ્યા છેકે, વરસાદી પાણી ભરાયા ત્યારે તો દેખાયા નહીં, હવે સભ્ય બનાવવા માટે દોડી આવો છો. શરમ નથી આવતી. મોઘવારી, બેરોજગારી સહિત અનેક મુદ્દે લોકો હેરાન છે ત્યારે ભાજપના સભ્ય બનવાથી ફાયદો શું? લોકોના કડવા વેણ સાંભળવાના ડરથી ભાજપના નેતાઓએ કાર્યકરોને સભ્યો નોધવવાનું કામ બારોબાર સોંપી દીધુ છે.
અત્યારે એવી હાલત છે કે, ધારાસભ્યો તો ઠીક, મંત્રીઓ પણ વડોદરામાં જવાની હિંમત કરતા નથી. જ્યાં અતિવૃષ્ટિ સર્જાઇ છે તે વિસ્તારમાં ભાજપના નેતાઓ પ્રજા વચ્ચે જઇ શકે તેમ નથી. આ જોતાં સભ્ય નોધણી અભિયાનનો ફિયાસ્કો થયો છે. ઉત્તર પ્રદેશ કરતાં ગુજરાતમાં વધુ સભ્ય નોધવાનો ટાર્ગેટ પૂર્ણ થાય તેમ લાગતુ નથી. સભ્ય નોધણી અભિયાનને નબળો પ્રતિસાદ મળી રહ્યો છે. આ કારણોસર ગંભીર નોંધ લઇને ભાજપ હાઇકમાન્ડે સભ્ય નોંધણી અભિયાનના મુખ્ય સંયોજકોને દિલ્હી બોલાવ્યાં છે.