અમદાવાદ, શનિવાર
રામોલમાં રહેતા યુવકને છેલ્લા ઘણા વર્ષોથી પગમાં દુખાવો થતો હતો. જે દુખાવો દંપતીએ તાંત્રિક વિધીથી પગનો દુખાવો દૂર કરી આપશું કહીને યુવકના ઘરમાં આવ્યા હતા અને તમારા ઘરમાં મેલી વસ્તુઓ અને તિજોરીમાં પણ ખરાબ વસ્તુઓ છે કહીને તિજોરીની ચાવી લીધી હતી અને યુવકને ઉપરના માળે મોકલ્યો હતો. બાદમાં તિજોરીમાં મૂકેલા સોના-ચાંદીના દાગીના તથા રોકડ સહિત કુલ રૃા.૮.૯૯ લાખની મત્તાની ચોરી કરી ફરાર થઈ ગયા હતા. આ બનાવ અંગે રામોલ પોલીસે ચોરીનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
યુવકે ઠગ દંપતી સામે રામોલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોધાવી
રામોલના જનતાનગરમાં રહેતા યુવકે રામોલ પોલીસ સ્ટેશનમાં સરખેજ ખાતે રહેતા પતિ પત્ની સામે ફરિયાદ નોંધાવી છે ક યુવકને ઘણા વર્ષોથી પગમાં દુખાવો થતો રહેતો હતો. દરમિયાન એક દિવસ સંબંધીના ઘરે જમવા માટે ગયો ત્યારે એક દંપતીનો સંપર્ક થયો હતો. જેમણે તાંત્રિક વિદ્યા કરીને દુખાવો દુર કરી આપવાની વાત કરી હતી. જે બાદ આ દંપતીએ યુવકનો વિશ્વાસ જીતવા માટે અવાર નવાર તેના ઘરે આવતા જતા રહેતા હતા. ત્યારબાદ એક દિવસ આ દંપતી યુવકના ઘરે ગયા હતા અને તમારા ઘરમાં ઘણીબધી મેલી વસ્તુઓ છે અને તિજોરીમાં પણ ખરાબ વસ્તુઓ રહે છે જેથી તિજોરીની ચાવી અહિયાં મૂકી દો અને થોડીવાર માટે ઉપરના રૃમમાં જતો રહો અમે વિધિ કરી લઈએ તેમ જણાવ્યું હતું.
જેથી વિશ્વાસમાં આવીને યુવક તેમના મકાનના ઉપરના રૃમમાં ગયા હતા. બીજી બાજુ આ દંપતીએ તિજોરીમાંથી રોકડ તથા સોના-ચાંદીના દાગીના સહિત કુલ રૃા.૮.૯૯ લાખની ચોરી કરી લીધી હતી. ત્યારબાદ યુવકને બોલાવીને વિધી થઈ ગઈ છે હવે થોડા દિવસ તિજોરી ખોલતા નહીં તેમ જણાવી આ દંપતી ત્યાંથી જતા રહ્યા હતા. થોડા દિવસો બાદ તિજોરી ખોલી ત્યારે તેમાંથી રૃા.૮.૯૯ લાખની મત્તાની ચોરી થઈ હોવાનું સામે આવ્યું હતું.