અમદાવાદ, શનિવાર
રામોલ વિસ્તારમાં સીટીએમ ચાર રસ્તા પાસે આવેલી જ્વેલર્સની દુકાનમાં ગ્રાહકના સ્વાંગમાં મહિલા દાગીના ખરીદવા આવી હતી જેને વેપારી પાસે વિવિધ દાગીના મંગાવ્યા હતા અને વેપારીની નજર ચૂકવીને ટ્રેમાંથી રૃા. ૧ લાખની કિંમતની સોનાની ચેઇન લઇ લીધી હતી અને તેના બદલે પીળી ધાતુની નકલી ચેઇન મૂકી હતી. આ બનાવ અંગે રામોલ પોલીસે ચોરીનો ગુનો નોંધી સીસીટીવી ફૂટેજ આધારે વધુ તપાસ હાથ ધરી છે.
વેપારી સ્ટોક ચેક કરતા બે મહિના પછી પીળી ધાતુનો દોરો જોઇ ચોંક્યા ઃ મહિલા આંખમાં ધૂળ નાંખીને ગઇ હોવાની જાણ થઇ રામોલ પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી
મણીનગરમાં રહેતા અને સીટીએમ માટલા સર્કલ પાસે સોના-ચાંદીની દુકાન ધરાવી ધંધો વેપારીએ રામોલ પોલીસ સ્ટેશનમાં અજાણી મહિલા સામે ફરિયાદ નોંધાવી છે કે ગત જુલાઈમાં રાત્રીના સમયે એક મહિલા સોનાની ચેઈન ખરીદવા માટે આવી હતી. જેથી ત્યાં કામ કરતા કર્મચારીઓએ ચેઈન બતાવવાનું શરૃ કર્યું હતુ. આ દરમ્યાન મહિલાએ કર્મચારીની નજર ચૂકવીને રૃા.૧ લાખની સોનાની ચેઈન ચોરી કરી લીધી હતી અને તેની જગ્યાએ પીળી ધાતુની ચેઈન મૂકી દીધી હતી.
એટલું જ નહી મને કોઈ ચેઈન પસંદ ન આવી કહીને મહિલા ત્યાંથી નિકળી ગઈ હતી. જો કે બે મહિના બાદ વેપારી સ્ટોક ગણતરી કરતો હતો ત્યારે ચેઈન ખોટી હોવાનું સામે આવ્યું હતુ. જેથી સીસીટીવી ફૂટેજની તપાસ કરી ત્યારે ગ્રાહકના સ્વાંગમાં આવેલી મહિલાએ નજર ચૂકવી સોનાની ઓરીજનલ ચેઈનની ચોરી કરી તેની જગ્યાએ ડૂપ્લીકેટ ચેઈન મૂકી ફરાર થઈ ગઈ હતી.