– માર્યા ગયેલા સૈનિકોના શબ પણ પાકે. લીધા નહોતા
– ભારત સાથે 1948, 1965, 1971 અને 1999ના યુદ્ધોમાં પાકિસ્તાન-ઈસ્લામે હજારો સૈનિકો ગુમાવ્યા
ઈસ્લામાબાદ : પાકિસ્તાનના સૈન્યે પહેલી વખત જાહેરમાં ભારત વિરુદ્ધ ૧૯૯૯ના કારગીલ યુદ્ધમાં તેની સંડોવણી હોવાનું કબૂલ્યું છે. પાકિસ્તાનના ડિફેન્સ ડે પ્રસંગે રાવલપિંડીમાં એક કાર્યક્રમમાં સૈન્ય પ્રમુખ જનરલ અસીમ મુનીરે કહ્યું કે, ૧૯૬૫, ૧૯૭૧ અને ૧૯૯૯માં કારગિલ યુદ્ધમાં લડતા આપણા અનેક સૈનિકોએ જીવ ગુમાવ્યા હતા.
પાકિસ્તાનના સૈન્ય પ્રમુખ જનરલ અસીમ મુનીરે કહ્યું કે, ૧૯૪૮, ૧૯૬૫, ૧૯૭૧ કે ૧૯૯૯નું કારગિલ યુદ્ધ હોય હજારો સૈનિકોએ પાકિસ્તાન અને ઈસ્લામ માટે તેમના જીવનનું બલિદાન આપ્યું છે. પાકિસ્તાનના સૈન્યે ક્યારેય જાહેરમાં ૧૯૪૮માં જમ્મુ-કાશ્મીરમાં ઘૂસણખોરી અને ૧૯૯૯માં કારગિલ યુદ્ધમાં તેની પ્રત્યક્ષ ભૂમિકા કબૂલી નથી. તેણે હંમેશા સત્તાવાર રીતે દાવો કર્યો છે કે આ ઘૂસણખોરી કબાઈલી અને મુજાહિદ્દીનના કામ હતા.
કારગિલમાં પાકિસ્તાને કારમા પરાજયનો સામનો કરવો પડયો હતો. ભારતીય સૈનિકોએ લદ્દાખમાં લગભગ ત્રણ મહિના લાંબા યુદ્ધ પછી ટાઈગર હિલ સહિત કારગિલ સેક્ટરમાં એલઓસીના ભારતીય ભાગમાંથી ઘૂસણખોરોએ કબજે કરેલા સ્થળોને પુનઃ પોતાના કબજામાં લઈ લીધા હતા. કમનસીબી એ હતી કે આ યુદ્ધમાં માર્યા ગયેલા સૈનિકોને સ્વીકારવાનો પણ પાકિસ્તાને ઈન્કાર કરી દીધો હતો. પાકિસ્તાનનો દાવો હતો કે માર્યા ગયેલા લોકો તેના સૈનિકો નથી પરંતુ મુજાહિદ્દીન છે. ભારતે હંમેશા કહ્યું કે, કાશ્મીર પર પોતાનો દાવો કરવા માટે પાકિસ્તાનના સૈન્યે રણનીતિપૂર્વક કારગિલમાં ઘૂસણખોરી હતી. ભારત પાસે કારગિલમાં પાકિસ્તાની સૈન્યની પ્રત્યક્ષ ભૂમિકાના અનેક પુરાવાઓ હતા.