ત્રણ પુત્રીઓને જન્મ આપ્યા બાદ ત્રાસ અપાતો હોવાથી પરિણીતાએ ગળાફાંસો ખાધોઃ પતિ-સાસુ સામે ફરિયાદ
ગાંધીધામ: શુક્રવારે ગાંધીધામના સુંદરપુરીમાં ગળેફાંસો ખાઈને આત્મહત્યા કરનારી ૨૯ વષય જાસ્મિને પુત્રપ્રાપ્તિ ન થતાં પતિ અને સાસુના માનસિક ત્રાસના લીધે જીવન ટૂંકાવ્યું હોવાની પોલીસ ફરિયાદ નોંધાઈ હતી.
મૃતક જાસ્મિનના વર્ષ ૨૦૧૭માં ગાંધીધામની નવી સુંદરપુરી પ્રાથમિક શાળા પાસે સંયુક્ત પરિવારમાં રહેતા ઈકબાલ અલ્લારખા ઘાંચી સાથે લગ્ન થયા હતા. ૨૦૧૯માં પહેલી સુવાવડમાં જાસ્મિનને દીકરી જન્મી હતી. ત્યારબાદ બીજી અને ત્રીજી વખત પણ તેની કૂખે દીકરીઓ જ જન્મી હતી. રાપરના ભુટકિયા રહેતાં જાસ્મિનના મોટા ભાઈ દિનેશ ઘાંચીએ પોલીસ ફરિયાદમાં જણાવ્યું કે જાસ્મિન અવારનવાર માતા અને ભાઈને કહેતી હતી કે મારા પતિ ઈકબાલ અને સાસુ જેનાબેનને પુત્ર જોઈએ છે. દીકરીઓ જન્મતી હોવાથી તેઓ બહુ માનસિક ત્રાસ આપ્યાં કરે છે. ત્રીજી દીકરી જન્મ્યા બાદ પતિ અને સાસુનો ત્રાસ બહુ વધી ગયો હતો જેના લીધે તેણે આત્મહત્યા કરવા મજબૂર થવું પડયું છે. જેથી ગાંધીધામ એ ડિવિઝન પોલીસે પતિ અને સાસુ વિરુદ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.