રાજ્યમાં પ્રથમ વખત વ્યાજખોર વિરુદ્ધ ગુજસીટોક હેઠળ કાર્યવાહી
રીયા અને તેના ભાઈ-બહેન પર ગેરકાયદે નાણાં ધીરધાર, પઠાણી ઉઘરાણી, હુમલો સહિતના ગુના છે નોંધાયેલા
ગાંધીધામ: પૂર્વ કચ્છ પોલીસ દ્વારા રાજ્યમાં પ્રથમ વખત વ્યાજખોર માફિયાઓ સામે એક અત્યંત મહત્વપૂર્ણ નિર્ણય લઈ સગાં ભાઈ-બેનની ત્રિપુટી પર ગુજસીટોક જેવો ગંભીર ગુનો લગાડી અંદર કરી દીધાં છે. માત્ર કચ્છ જ નહીં પરંતુ રાજ્યના ઈતિહાસમાં પહેલીવાર વ્યાજખોરીના ગુનામાં એક જ પરિવારના સગા ત્રણ ભાઈ બહેન એક સાથે ગુજસીટોકના ગુનામાં અંદર થયાં છે, પહેલીવાર મહિલાઓ પર ગુજસીટોક લાગુ થયો છે.
આ અંગે અંજાર પોલીસે માહિતી આપતા જણાવ્યુ હતું કે, પોલીસે ગુજસીટોકમાં અંદર કરી દીધેલાં વ્યાજ માફિયામાં અંજારના મકલેશ્વર વિસ્તારમાં રહેતી રીયા ઈશ્વરભાઈ ગોસ્વામી, તેની બહેન આરતી અને ભાઈ તેજસ ગોસ્વામીનો સમાવેશ થાય છે. રીયા ગોસ્વામી વિરુધ્ધ ૨૦૨૦થી અત્યારસુધીમાં ગેરકાયદે નાણાં ધીરધાર, પઠાણી ઉઘરાણી, હુમલો કરવા સહિતની ૮ ફરિયાદો દાખલ થયેલી છે. જે પૈકીની બે ફરિયાદો પઠાણી ઉઘરાણી કરીને ભોગ બનનારને મરવા મજબુર કરવાની નોંધાયેલી. એ જ રીતે, તેની બહેન આરતી તથા ભાઈ તેજસ વિરુદ્ધ પણ વ્યાજખોરી, મારામારી, પઠાણી ઉઘરાણીના ચાર- ચાર ગુના નોંધાયેલા છે. છેલ્લે તા. ૩૧-૭ના રોજ અંજારના મુમતાઝબેન લુહારે ત્રણેય ભાઈ બહેન સામે ગેરકાયદે વ્યાજખોરી, પઠાણી ઉઘરાણીની ફરિયાદ નોંધાવી હતી. પોલીસે જણાવ્યું હતું કે, આ અગાઉ પર રીયા ગોસ્વામી અગાઉ પાસા હેઠળ પણ કાર્યવાહી થયેલી છે. જે બાદ પણ ગુના નોંધાતા રહેતા આ કાર્યવાહી થયેલી છે. આ વખતે પોલીસે તેમની પ્રવૃત્તિને ટોળકી બનાવીને આચરાતી સંગઠિત ગુનાખોરીની વ્યાખ્યામાં આવરી લઈ ત્રણેય ભાઈ-બહેન વિરુદ્ધ ગુજસીટોક હેઠળ કાર્યવાહી કરી છે.