ગાંધીધામમાં રહેણાંક મકાનમાંથી બિયરનાં ૧૨૦ ટીન મળી આવ્યા
ગાંધીધામ: અંજારનાં વરસામેડીમાં આવેલી શાંતિધામ નજીક ચોકમાં પોલીસે કારમાંથી વિદેશી શરાબની ૨૮૬ બોટલ ઝડપી પાડી હતી. જ્યારે કાર ચાલક પોલીસને જોઈ કાર મૂકીને નાસીને ગયો હતો. પોલીસે શરાબની બોટલો અને કાર સહીત કુલ રૂ. ૪,૩૨,૧૪૫નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. તો બીજી બાજુ ગાંધીધામનાં જૂની સુંદરપુરી વિસ્તારમાં આવેલા રહેણાંક મકાન પર પોલીસે દરોડો પાડી બિયરનાં ૧૨૦ ટીન ઝડપી પાડયા હતા. જ્યારે મકાન માલિક પોલીસને હાથ આવ્યો ન હતો.
આ અંગે મળતી માહિતી અનુસાર અંજાર પોલીસને બાતમી મળી હતી કે, ગાંધીધામ ગળપાદર હાઇવે પરથી સફેદ કલરની કારમાં દારૂનો જથ્થો ભરી વરસામેડીની શાંતિધામ સોસાયટી તરફ આવી રહ્યો છે. જે બાતમી આધારે પોલીસે વરસામેડીમાં શાંતિધામ નજીક શ્રીરામ ચોક પાસે કાર નં જીજે ૧૮ બીએચ ૫૮૫૫ને હાથની ઇસારો કરી ઉભી રાખવાનું કહ્યું હતું. જેમાં પોલિસને જોઈ કાર ચાલકે કાર ઉભી ન રાખી કાર લઈ નાસી જવાનો પ્રયત્ન કર્યો હતો. જેમાં થોડુંક આગળ જઈ કાર રોકી કાર ચાલક કાર મૂકીને નાસી ગયો હતો. જેમાં પોલીસે કારમાં તપાસ કરતા તેમાંથી ભારતીય બનાવટની વિદેશી શરાબની કુલ ૨૮૬ બોટલ જેની કિંમત રૂ. ૧,૩૨,૧૪૫નો મુદ્દામાલ મળી આવ્યો હતો. જેથી પોલીસે શરાબ સાથે કાર સહીત કુલ રૂ. ૪,૩૨,૧૪૫નો મુદ્દામાલ કબ્જે કરી કાર ચાલક વિરુદ્ધ ગુનો નોંધી તેને ઝડપી પાડવા વધુ તપાસ હાથ ધરી હતી.તો બીજી બાજુ ગાંધીધામનાં કાલિકા માતાજીનાં મંદિર પાછળ રહેતા અમોદ ઉર્ફે મોહન જગન્નાથ મંડલનાં રહેણાંક મકાન પર બાતમી આધારે ગાંધીધામ એ ડિવિઝન પોલીસે દરોડો પાડયો હતો. જે દરોડામાં પોલીસે ભારતીય બનાવટનાં વિદેશી શરાબ બિયરનાં ૧૨૦ ટીન જેની કિંમત રૂ. ૩૮,૧૬૦ નો મુદ્દામાલ ઝડપી પાડયો હતો. જ્યારે આરોપી અમોદ ઉર્ફે મોહન પોલીસને હાજર મળ્યો ન હતો. જેથી પોલીસે તમામ મુદ્દામાલ કબ્જે કરી આરોપી વિરુદ્ધ ગુનો નોંધી તેને ઝડપી પાડવા પોતાના ચક્રો ગતિમાન કર્યા હતા.