Gujarat Rain latest update: નર્મદા ડેમના ઉપરવાસમાં ભારે વરસાદને પગલે પાણીની આવક વધતાં ગઈકાલ સુધીમાં ડેમના 9 ગેટ ખોલાયા હતા. જે આજે વધારીને 15 ગેટ ખોલવાની ફરજ પડી ગઈ હતી. જેના લીધે ડેમમાંથી આશરે 243923 ક્યુસેક પાણી છોડવામાં આવ્યું હતું.
42 ગામડાઓમાં ઍલર્ટ જાહેર
મોડી રાત સુધીમાં હજુ પાણીની આવક વધે તો વધુ પાણી છોડવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. જેને લઈને ગુજરાતના જીવાદોરી સમાન આ નર્મદા ડેમના મોટાભાગના આજુબાજુના 42 ગામડાઓમાં ઍલર્ટ જાહેર કરી દેવામાં આવ્યું છે.
સિઝનમાં પહેલીવાર 15 ગેટ ખોલાયા
નર્મદા ડેમની વાત કરીએ તો ગઈકાલે સાંજે તેની સપાટી 135.40 મીટરની આજુબાજુ હતી. ડેમની મહત્તમ સપાટી 138.68 મીટર જ છે. ડેમના ઉપરવાસમાં આવેલા વિવિધ ડેમમાંથી વિપુલ પ્રમાણમાં પાણીની આવક થતાં ડેમના સત્તાધીશોએ સિઝનમાં પહેલીવાર 15થી વધુ ગેટ ખોલવાની ફરજ પડી છે. આ 15 ગેટ લગભગ 2.85 મીટર જેટલા ખોલાયા હતા.
કેટલું પાણી છોડવામાં આવ્યું?
હાલ ઉપરવાસમાંથી 480233 ક્યુસેક પાણીની આવક થઈ રહી છે. હાલ ગેટમાંથી 200000 ક્યુસેક પાણી છોડવામાં આવ્યું છે. આ ઉપરાંત રિવરબેડ પાવર હાઉસમાંથી 43932 ક્યુસેક તેમજ કેનાલ હેડ પાવર હાઉસમાંથી 23142 ક્યુસેક વગેરે મળીને 345932 ક્યુસેક પાણી નદીમાં જાય છે. જેથી નદી બન્ને કાંઠે વહી રહી છે અને નીચાણવાળા વિસ્તારોને ઍલર્ટ કરી દેવામાં આવ્યા છે.