વડોદરા : વડોદરામાં દર બે ચાર વર્ષે વિશ્વામિત્રી નદીનું પૂર શહેરને ડૂબાડે છે. આ પૂર પાછળનું કારણ કુદરતી નહી પરંતુ માનવ સર્જિત છે. વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનમાં અત્યાર સુધી આવેલા શાસકોએ નદી અને પૂરના મેનેજમેન્ટને સમજ્યા વગર અંગત સ્વાર્થમાં આંધળા બનીને બાંધકામોને ગેરકાયદે મંજૂરી આપી દીધી તેનું આ પરિણામ છે. આ મામલે હવે નિવેદનો નહી પણ નક્કર કામગીરી માટે રવિવારે શહેરના ઉત્તરઝોન વિસ્તારની સોસાયટીઓના હોદ્દેદારોની મીટિંગ મળી રહી છે.
આયોજકોનું કહેવું છે કે વડોદરામાં આ વખતે છેલ્લા ૫૦ વર્ષમાં ના આવ્યુ હોય તેવુ પૂર આવ્યુ અને લાખો લોકો આ પૂરના અસરગ્રસ્ત બન્યા.વડોદરાની કેટલીક સંસ્થાઓ છેલ્લા બે દાયકાથી બુમો પાડીને કહી રહી હતી કે શાસકોની માત્ર પૈસા કમાવવાની નીતિના કારણે વડોદરામાં વિશ્વામિત્રી વિનાશ નોતરશે અને થયુ પણ એવુ. પરિસ્થિતિ કાબુ બહાર જતા હવે વડોદરાનો સામાન્ય નાગરીક જાગી ગયો છે. આ સંદર્ભે વડોદરાના ઉત્તર ઝોનમાં આવેલી સોસાયટીઓના પ્રમુખો અને હોદ્દેદારોની એક બેઠક રવિવારે સાંજે ૪.૩૦ કલાકે છાણી જકાતનાકા પાસે આવેલા રિધ્ધિ-સિધ્ધિ હોલ ખાતે મળવાની છે. વડોદરા શહેર ઉત્તરઝોન નાગરિક સમિતિના બેનર હેઠળ મળનારી આ બેઠક જાહેર બેઠક છે તેમાં અન્ય વિસ્તારની સોસાયટીના આગેવાનોને પણ આમંત્રણ અપાયુ છે.
સમિતિનું કહેવું છે કે હવે આડેધડ કામ નહી ચાલે. આયોજનબધ્ધ રીતે પૂરની સમસ્યાના હલ માટે યોગ્ય વ્યવસ્થા ઉભી કરવા સત્તાધીશો સમક્ષ પરિણામલક્ષી રજૂઆતો કરવાનું નક્કી કરાયુ છે. જેમાં તજજ્ઞાોને પણ સાથે રાખવામા આવશે અને ભૂતકાળમાં થયેલી રજૂઆોત, સરકારી સર્વેક્ષણ અને રિપોર્ટને પણ ધ્યાનમાં લેવામાં આવશે. મીટિંગનો હેતુ એ જ છે કે તેમાં લોકો સાથે આ મામલે ચર્ચા થઇ શકે અને નિષ્ણાંત તથા તજજ્ઞા શહેરીજનોની સલાહ-સૂચનો મળે.
નાગરિકોની જાહેર મીટિંગમાં આ મુદ્દે ચર્ચાઓ થશે
– વિશ્વામિત્રી નદીના વહેણ વિસ્તારમાં થયેલા નિયમ વિરૃધ્ધના તમામ બાંધકામો તથા દબાણો દૂર કરો.
– સુપ્રિમ કોર્ટ, એનજીટીએ આપેલા આદેશોનું તુરંત પાલન કરવામાં આવે.
– સર સયાજીરાવ ગાયકવાડના સમયની વિશ્વામિત્રી નદીને મૂળ સ્વરૃપમાં પરત લાવવામાં આવે.
– ગટરના ગંદા પાણી વિશ્વામિત્રી નદીમાં છોડવાનું બંધ કરો.
– ભૂખી કાંસ ઉપરના નિયમ વિરૃધ્ધના તથા ગેરકાયદે બાંધકામો અને દબાણો તાત્કાલિક દૂર કરો.
– શહેરની હદમાં ભૂખી કાંસને મૂળ સ્વરૃપમાં પહોળી અને ખુલ્લી રાખો.
– ભૂખી કાંસનું ઉપરવાસનું પાણી શહેરમાં આવતુ અટકાવવા ભૂખી ડાયવર્ઝન યોજનાનો અમલ કરો.