Gujarat Nadiad News | નડિયાદ તાલુકાના ઉતરસંડા ગામમાં મુખ્યમંત્રી ગ્રામ સડક યોજના હેઠળ સપ્ટેમ્બર 2023માં રૂ. 90 લાખના ખર્ચે ડામરનો રોડ બનાવવામાં આવ્યો હતો. ગામના સરપંચ ઈશીત પટેલ દ્વારા ખાતમુહૂર્ત કરાયેલા રોડ પર એક વર્ષમાં ઠેર ઠેર ખાડા પડી ગયા છે, તેમજ ડામર ઉખડી જતાં રસ્તો બિસ્માર બન્યો છે. ત્યારે તંત્રની રહેમનજર હેઠળ નબળી ગુણવત્તાનું કામ કરવામાં આવ્યું હોવાના આક્ષેપ ગ્રામજનોએ લગાવ્યા છે. ત્યારે સત્વરે રસ્તાનું સમારકામ કરાવી જવાબદારો સામે કડક કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ ઉઠી છે.
ઉતરસંડા ગામમાં તા. 4 સપ્ટેમ્બર, 2023 ના રોજ મુખ્યમંત્રી ગ્રામ સડક યોજના હેઠળ બસ સ્ટેન્ડથી રેલવે સ્ટેશન અને નવરંગ સોસાયટી વિસ્તારમાં સરપંચ દ્વારા ડામર રોડનું ખાતમુહૂર્ત કરાયું હતું.
90 લાખ રૂપિયાના ખર્ચે બનાવેલા રોડની કામગીરીને પૂર્ણ થયે હજૂ એક વર્ષનો સમય થયો નથી તેવામાં રસ્તો બિસ્માર બન્યો છે.
ગામના મુખ્ય માર્ગનું નામકરણ કરી પ્રમુખ સ્વામી રોડ નામ આપવામાં આવેલા રોડ પરથી ડામર ઉખડી ગયો છે, કપચી ઉપર આવી ગઈ છે. તથા ઠેર ઠેર ખાડા પડયા છે. ત્યારે રોડ માટે નિયત કરાયેલા પેરામીટરનો ભંગ કરી અને તકલાદી મટીરીયલથી રોડ બનાવવામાં આવ્યો હોવાના તથા હોદ્દેદારોએ રોડની ગુણવત્તા અંગે ધ્યાન ન આપ્યું હોવાના આક્ષેપ ગ્રામજનોએ લગાવ્યા છે.
ત્યારે રસ્તાનું સત્વરે સમારકામ કરવામાં આવે તેમજ જવાબદારો સામે ઉચ્ચ કક્ષાએથી યોગ્ય તપાસ કરાવી કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ ઉઠી છે.