– વડોદરાથી અમદાવાદ તરફ ટ્રેન જઈ રહી હતી
– મહેમદાવાદ, નડિયાદ, કપડવંજ ફાયરબ્રિગેડની ટીમ, રેલવે અને તંત્રના અધિકારીઓ દોડી આવ્યા : ટ્રેન વ્યવહાર ઉપર કોઈ અસર નહીં
વડોદરા તરફથી અમદાવાદ તરફ જઈ રહેલી એક ગુડ્ઝ ટ્રેન શનિવારે સાંજે પોણાચાર વાગ્યે મહેમદાવાદના કનીજ રેલવે સ્ટેશન પાસેથી પસાર થઈ રહી હતી. ત્યારે ટ્રેનમાં ફીટ કરેલા ગેસના ટેન્કર પૈકી એક ટેન્કરમાં ગેસ લીકેજ થયો હતો. જેની જાણ થતાં લોકોપાયલટે તાત્કાલિક ટ્રેનને અટકાવી તપાસ આદરી હતી.
તેમજ રેલવે અધિકારીઓ તથા મહેમદાવાદ, નડિયાદ અને કપડવંજના ફાયરબ્રિગેડને જાણ કરતા તમામ ટીમો તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી અને ગેસ લીકેજ બંધ કરવાની કામગીરી હાથ ધરી હતી. ઉપરાંત બનાવની જાણ થતાં મહેમદાવાદ મામલતદાર અને પોલીસ પણ ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. આ અંગે કનીજ રેલવે સ્ટેશનના સૂત્રો દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, હાલ ટ્રેનમાં થયેલી ખામીનું સમારકામ ચાલી રહ્યું છે, સાત વાગ્યા પહેલા તે પૂર્ણ થઈ જશે. અત્યારસુધી આ ટ્રેનના કારણે અન્ય કોઈ ટ્રેનના સમયને અસર થઈ નથી. અન્ય ટ્રેનોની અવર-જવર ચાલુ છે. સમારકામ પૂર્ણ થતાં આ ગુડ્ઝ ટ્રેન પણ આગળ વધશે તેમ ઉમેર્યું હતું.