– કચરાની દુર્ગંધથી નાગરિકોને મુશ્કેલી
– રોગચાળો ફેલાવાનો પણ ભય : પાલિકા તંત્રનો દવા છંટકાવ અને સફાઈનો અભાવ
આણંદ : આણંદ પાલિકાના જુના બસ સ્ટેન્ડ વિસ્તારમાં ભારે વરસાદ બાદ હવે ગંદકી અને કિચડનું સામ્રાજ્ય ફેલાયું છે. પાલિકા દ્વારા કચરો સાફ નહીં કરવાથી અને જંતુનાશક દવાઓના છંટકાવને અભાવે આ વિસ્તારમાં પાણી અને મચ્છર જન્ય રરોગચાળો ફેલાવાનો ભય છે.
આણંદ શહેરના જુના બસ સ્ટેન્ડની બાજુમાં આવેલી ગલીમાં હાલ વ્યાપક પ્રમાણમાં દુર્ગંધ ફેલાઈ રહી છે. કચરાના ઢગલાઓ પાણીથી ક્હોવાઈ જતા દુર્ગંધને કારણે પસાર થવું પણ મુશ્કેલ બની ગયું છે. ઉપરાંત મચ્છરો તથા અન્ય જીવજંતુઓનો ઉપદ્રવ પણ વધી ગયો છે.
આ વિસ્તારના દુકાનદારોનું કહેવું છે કે, રજૂઆતો કરવામાં આવતી હોવા છતાં પણ પાલિકા તંત્ર દ્વારા રોજિંદી સાફ સફાઈ કરવામાં આવતી નથી. જેથી મેલેરિયા, તાવ, શરીર અને દુઃખાવાના દર્દીઓ સહિત અનેક પ્રકારના રોગ આ વિસ્તારમાં ધીમે ધીમે ફેલાઈ રહ્યા છે.
જંતુનાશક દવાઓનો પણ છંટકાવ કરવામાં આવતો નથી. હાલ અહીં ભયંકર દુર્ગંધ ફેલાઈ રહી છે. વરસાદને કારણે કચરો કહોવાઈ જતા ગંદકી પણ ખૂબ જ વધી ગઈ છે.