– 4 વર્ષ અગાઉના હાઈવેની મુદ્દત પણ પૂરી
– ચાર યાત્રાધામોને જોડતા હાઈવે પર ધૂળ ઉડતા વાહનચાલકો અને ખેડૂતોને ભારે હાલાકી
પાખિયાથી લાડવેલ ચોકડી તરફનો સ્ટેટ હાઈવે પર મોટા ખાડાના લીધે જીવલેણ અને જોખમી બન્યો છે. ગુજરાતના પ્રસિદ્ધ યાત્રાધામો અંબાજી, ડાકોર, ફાગવેલ અને પાવાગઢને જોડતો હાઈવે હોવાથી તેમજ ટોલટેક્સ બચાવવા અહીં મોટા વાહનોની વ્યાપક અવર-જવર રહે છે. આ રોડ ઉપર વાહનો પસાર થાય ત્યારે સામેનું વાહન ન દેખાય તેટલી હદે ધૂળ ઉડે છે. ઉપરાંત હાઈવેની આસપાસ ખેતરોમાં ઉડતી ધુળના કારણે ખેત મજૂરો આવતા નથી અને કપાસના પાકને નુકસાની અસર થાય છે.આ બાબતે પી ડબલ્યુ ડીના નાયાબ કાર્યપાલક ઇજનેર સુનીલ કીશોરીએ જણાવ્યું છે કે, આ હાઈવે રોડ સરસ્વતી બિલકોન એજન્સી દ્વારા ચાર વર્ષ અગાઉ અંદાજે ૩૨થી૩૪ કરોડના ખર્ચે બનાવવામાં આવેલો, જેનો ગેરંટી પીરીયડ પણ પુરો થઈ ગયો છે. ત્યારે આ સ્ટેટ હાઈવે પર માનવ હીત માટે રોડ રિપેરિંગ કરાય અને ધૂળ ઉડતી બંધ કરાય તેવી આસપાસના લોકોમાં માંગ ઉઠી છે.