– 4 કર્મચારીઓ વિરૂદ્ધ ગુનો નોંધાયો
– અલગ અલગ વ્યકિતના નામે દૂધ ભરવામાં આવ્યું હોવાનું બતાવી કર્મચારીઓએ નાણાં વાપરી નાખ્યા
મિતલી ગામે આવેલી દૂધ ઉત્પાદક સહકારી મંડળીનું જિલ્લા રજિસ્ટ્રાર કચેરી દ્વારા ઓડિટ કરવામાં આવ્યું હતું. જેમાં મંડળીના કર્મચારીઓ મફત ઉર્ફે મફાભાઈ ભાઈલાલભાઈ જાગવ (ટેસ્ટર), વિજયભાઈ દિપાભાઈ જાદવ (કમ્પ્યુટર ક્લાર્ક), પ્રવિણભાઈ દિપાભાઈ રાઠોડ અને પ્રવિણભાઈ ગણપતભાઈ બારોટે એપ્રિલ-૨૦૨૧થી માર્ચ-૨૦૨૩ના સમયગાળા દરમિયાન જુદી-જુદી વ્યક્તિઓના નામે દૂધ ભરવામાં આવ્યું હોવાનું બતાવી દૂધના નાણાં મંડળીમાં જમા ન કરાવી પોતાના અંગત કામમાં વાપર્યા હોવાનું ખૂલ્યું હતું. ચારેય કર્મચારીઓએ કુલ રૂ. ૮,૫૭,૬૧૩ની ઉચાપત કરી હોવાનું તપાસમાં ખૂલ્યું હતું. જે પૈકી રૂ. ૩,૧૧,૪૧૩ તેમણે મંડળીમાં જમા કરાવ્યા હતા. પરંતુ બાકીના રૂ. ૫,૪૬,૨૦૦ મંડળીમાં જમા ન કરાવી કાયમી ઉચાપત કરી હતી. તેમજ પ્રવિણભાઈ બારોટે બિયારણ અને રબ્બરમેટ લાવી જે-તે સમયે તેનું વેચાણ કરી તેના વેચાણના નાણાં પણ મંડળીમાં જમા ન કરાવ્યા હોવાનું તપાસમાં ખૂલ્યું હતું. આ સમગ્ર મામલે દૂધ મંડળીના ચેરમેન રાજેશભાઈ કલાભાઈ રાઠોડે ખંભાત ગ્રામ્ય પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ચારેય કર્મચારીઓ સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.