– ભક્તોએ વાજતે-ગાજતે વિઘ્નહર્તાને આવકાર્યા
– લાડુ, મોદકનો પ્રસાદ ધરાવાયો : 10 દિવસ વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજાશે
ગણેશ ચતુર્થીના દિવસથી ગણેશોત્સવનો પ્રારંભ થતાં નડિયાદ શહેર સહિત ખેડા જિલ્લામાં ઘરે તથા પંડાલોમાં ગણેશજીની પ્રતિમાઓનું સ્થાપન કરાયું હતું. ઢોલ, નગારા, ડીજેના તાલે વાજતે-ગાજતે ભક્તોએ વિઘ્નહર્તાનું ઘર, સોસાયટીઓ અને પોતાના વિસ્તારમાં સ્વાગત કર્યું હતું.
ભક્તો દ્વારા દોઢ, પાંચ, સાત અને દસ દિવસ સુધી ગણેશજીની પ્રતિમાનું સ્થાપન કરવામાં આવે છે. મહોત્સવ દરમિયાન પૂજા-અર્ચના, મહાઆરતી, પ્રસાદી, ભજન-કિર્તન સહિતના ધાર્મિક કાર્યક્રમો યોજાશે.
શ્રદ્ધાળુઓ શ્રીજીને પ્રિય એવા લાડુ, મોદક સહિતના પ્રસાદની ખરીદી માટે બજારમાં ઉમટયાં હતાં. તેમજ ગણેશ ચતૂર્થીની પૂર્વ સંધ્યાએ ડેકોરેશન, ફૂલહાર, પૂજાપા સહિતની સામગ્રીની ખરીદીમાં ભક્તો વ્યસ્ત બન્યા હતા.
નડિયાદ શહેરમાં શિવ-પાર્વતના વિરાટ સ્વરૂપ અને તેમના હાથમાં બાળગણેશ તો ક્યાંક શિવ સ્વરૂપે તો ક્યાંક નાગરાજ સ્વરૂપે શ્રીજીની સ્થાપના કરાઈ છે.