Ganesh Chaturthi 2024 : આવતીકાલ શનિવારથી સુરતમાં દબદબાભેર ગણેશ ઉત્સવનો પ્રારંભ થઈ રહ્યો છે ત્યારે શહેરના જુદા જુદા વિસ્તારમાં જુદા-જુદા ગણેશ આયોજકો નીતનવી થીમ પર શ્રીજીની સ્થાપના કરી રહ્યાં છે. તેમાં સુરતના સુમુલ ડેરી રોડ પર આવેલી એક સોસાયટીના આયોજકોએ જગન્નાથ થીમ પર શ્રીજીની સ્થાપના કરી છે અને રથયાત્રા જેવો રથ બનાવવા સાથે શ્રીજીની પ્રતિમા પણ જગન્નાથ જેવી બનાવી છે. આ ઉપરાંત હાલમાં કોલકત્તાની ઘટના બાદ લોકોમાં રેપ અંગેની જાગૃતિ માટે પણ આયોજકો નવી જ થીમ લાવી રહ્યાં છે તે પણ એકદમ યુનિક રાખવામા આવ્યો છે.
સુરતના સુમુલ ડેરી રોડ પર આવેલી શાંતિનિકેતન સોસાયટીના ગણેશ આયોજકોએ દર વર્ષની જેમ આ વર્ષે પણ ગણેશજીની ઉજવણી ઈકો ફ્રેન્ડલી કરવાનો નિર્ણય કર્યો છે. પશ્ચિમ બંગાળના કોલકત્તામાં તબીબ પર રેપની ઘટના બની તેના દેશમાં ભારે પડઘા પડી રહ્યાં છે. ગુજરાતમાં પણ આવી ઘટના બને છે તેના માટે કંઈક જુદી રીતે જ લોક જાગૃતિ કરવાનો પ્રયાસ કરવામા આવ્યો છે. આ ગણેશ મંડપમાં રેપ અટકાવવા માટે જાગૃતિ માટે પણ કંઈ યુનિક કરવામાં આવ્યું હોવાનો દાવો આયોજકો કરે છે. આયોજક એવા યશેશ પરમાર કહે છે, હાલમાં જે રીતે રેપની ઘટના બની રહી છે તે જોતા લોકોમાં જાગૃતિ જરૂરી છે હાલમાં લોકો દિકરીનું રક્ષણ કરવા માટે અપીલ કરે છે પરંતુ અમે મંડપમાં એવા બેનર લાગ્યા છે કે છોકરીનું રક્ષણ કરવાના બદલે તમારા પુત્રને શિક્ષિત કરો. એ કહેવા પાછળનો એર્થ એવો છે કે છોકરાઓ શિક્ષિત રહેશે તો આવા પ્રકારનું કૃત્ય કરતા અચકાશે. આ ઉપરાંત દિકરીને કોમળ નહીં પરંતુ આવી ઘટનામાં સામનો કરી જવાબ આપે તેવી તાલીમ આપો તેવું પણ કહેવામાં આવ્યું છે.
આ ઉપરાંત દર વર્ષની જેમ યુનિક થીમ પર જ ગણેશજીની સ્થાપના કરવામા આવી છે. છેલ્લા કેટલાક વખતથી જગન્નાથ રથયાત્રાનો ક્રેઝ વધી રહ્યો છે. તેથી આ વર્ષે અમે જગન્નાથ રથયાત્રા થીમ પર શ્રીજીની સ્થાપના કરી છે. રથયાત્રામાં ઉપયોગમાં આવે તેવો રથ ઈકોફ્રેન્ડલી તૈયાર કરવામાં આવ્યો છે. અને તેમાં શ્રીજીની પ્રતિમા પણ જગન્નાથ સ્વરૂપે મુકવામાં આવ્યા છે. ગણેશજી જગન્નાથના સ્વરૂપમાં હોય તેવુ ભાગ્યે જ બને છે તેથી ગણેશજી અને જગન્નાથ બન્ને એક હોય તેવું દર્શન ભક્તોને થશે.
મંડળના દિવ્યેશ પટેલ કહે છે, અમારા ગણેશ મંડળ દ્વારા ગણેશજીની આરાધના સાથે સાથે સેવાકીય પ્રવૃત્તિ પણ કરવામા આવે છે. દર વર્ષે અમે ભક્તોને તુલસીના રોપાનું વિતરણ કરીએ છીએ આ વર્ષે વધુ ઓક્સિજન આપે તેવા રોપાનું વિતરણ કરીશું તેની સાથે લોકોને પર્યાવરણની જાળવણી માટેનો સંદેશો પણ આપવામા આવશે.