Vapi Congress AAP Protest : વાપી નગરપાલિકા હદ વિસ્તારના માર્ગો ચોમાસા દરમિયાન તૂટીને બિસ્માર બની જતા લોકોને પડી રહેલી હાલાકીને લઇ કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીએ આજે શુક્રવારે ભારે વિરોધ સાથે આવેદનપત્ર પાઠવ્યું હતું. આગેવાનો અને કાર્યકરોએ ખાડામાં પૂજન કરી ભારે આક્રોશ ઠાલવ્યો હતો. 10 દિવસમાં કામગીરી નહી કરાઇ તો પાલિકાને તાળાબંધી મારવા પણ ચિમકી અપાઇ છે.
વાપી નગરપાલિકા હદ વિસ્તારના માર્ગો ચોમાસા દરમિયાન તૂટીને બિસ્માર બની જતા વાહન ચાલકો તોબા પોકારી ઉઠ્યા છે. બિસ્માર માર્ગ પર ઠેરઠેર મોટામોટા ખાડાને કારણે ઉભી થયેલી જટિલ સમસ્યાને લઇ આજે શુક્રવારે વાપી શહેર કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના આગેવાનો એકત્રિત થઇ માર્ગો પર પડેલા ખાડામાં પૂજન કરી ભારે વિરોધ પ્રદર્શિત કર્યો હતો. એટલું જ નહી ભાજપ સરકાર વિરૂદ્ધ ભારે સૂત્રોચ્ચાર કર્યા હતા.
વાપી શહેર કોંગ્રેસ પ્રમુખ નિમેષ વશી, વિપક્ષ નેતા ખંડુ પટેલ સહિતના આગેવાનો અને કાર્યકરોએ પાલિકા કચેરીએ મોરચો કાઢયો હતો. બાદમાં આગેવાનોએ અધિકારીને આવેદનપત્ર પાઠવી બિસ્માર માર્ગની મરામતની કામગીરી કરવા જણાવી ભારે આક્રોશ ઠાલવ્યો હતો. પાલિકાના વિપક્ષ નેતા ખંડુ પટેલે જણાવ્યું કે પાલિકા હદના તમામ માર્ગો બિસ્માર બની ગયા છે.
ખાડાઓને કારણે અકસ્માતના બનાવમાં નિર્દોષના જીવ પણ ગયા છે એમ કહી ઉમેર્યુ હતું કે, ઠેરઠેર ખાડાના કારણે રોડ દેખાતા નથી. ભાજપની ઉઠતી સરકારને જગાડવા આવેદનપત્ર આપ્યું છે. માર્ગ નવીકરણ માત્ર કટકી માટે જ કરાતી હોવાનો સીધો આક્ષેપ કરી આગામી 10 દિવસમાં માર્ગ મરામતની કામગીરી પૂર્ણ નહી કરાશે તો પાલિકાને તાળાબંધી કરવાની પણ ચિમકી આપી હતી.