Vapi News : આજે ગુરૂવારે શિક્ષક દિને જ વાપી કોર્ટ વિદ્યાર્થિની શારિરીક છેડતી કરવાના કેસમાં કોમ્પ્યુટર ક્લાસના શિક્ષકને ત્રણ વર્ષની કેદ અને રૂ.21 હજારનો દંડ ફટકારતો મહત્વનો ચુકાદો આપ્યો છે.
કેસની વિગત એવી છે કે વાપીના ચલા વિસ્તારમાં આંબેડકર કોમ્પ્યુટર કલાસમાં ગત તા.17-06-13ના રોજ વાપીમાં રહેતી સગીરવયની કામિની (નામ બદલ્યું છે) ગઇ હતી. કામિની ક્લાસમાં વહેલી પહોંચી જતા કોમ્પ્યુટર શિક્ષક જાવેદ સગીર ખાને કામિનીને પોતાની કેબીનમાં બોલાવી હતી. બાદમાં કામવાસનામાં ચકચૂર જાવેદ ખાને કામિનીના ગાલ પર ચુંબન કરી શારીરિક અડપલા કરતા કામિની ગભરાય ગઇ હતી. કામિની કોમ્પ્યુટર કલાસમાંથી ઘરે ગયા બાદ માતાને આખી બીના જણાવી હતી. પિતાને પણ શિક્ષકની હરકતની જાણ થતા વાપી પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી.
પોલીસ શિક્ષક જાવેદ ખાનની ઘરપકડ પણ કરી હતી. આરોપી સામે પુરાવા સાથે કોર્ટમાં ચાર્જશીટ પણ રજૂ કરાઇ હતી. વાપી કોર્ટમાં કેસ સંદર્ભે હાથ ધરાયેલી સુનાવણીમાં ડીજીપી અનિલ ત્રિપાઠીએ પિડીતા સહિતના વ્યક્તિઓની જુબાની અને પુરાવા સાથે અનેક મુદ્દે દલીલો કરી હતી. કોર્ટના જજ ટી.વી.આહુજાએ દલીલોને ગ્રાહ્ય રાખી આરોપી જાવેદ ખાનને દોષી ઠેરવી ત્રણ વર્ષની કેદની સજા અને રૂ.21 હજારનો દંડ ફટકારતો મહત્વનો ચુકાદો આપ્યો છે.