Bajrang Punia News : દેશના ટોચના કુસ્તીબાજ અને હાલમાં જ કોંગ્રેસ (Congress)માં જોડાયા બાદ કિસાન કોંગ્રેસમાં વર્કિંગ ચેરમેન બનેલા બજરંગ પૂનિયાને જાનથી મારવાની ધમકી મળી છે. તેમને વિદેશી નંબર પરથી વૉટ્સએપ પર ધમકીભર્યો સંદેશ મળ્યો છે. આ મેસેજમાં લખ્યું છે કે, ‘બજરંગ, કોંગ્રેસ છોડી દે, નહીં તો તારા અને તારા પરિવાર માટે સારું નહીં થાય. આ અમારો છેલ્લો સંદેશ છે. અમે ચૂંટણી પહેલા દેખાડીશું કે, અમે શું છીએ. તારે જ્યાં ફરિયાદ કરવી હોય ત્યાં કરી દે. આ અમારી પહેલી અને છેલ્લી ચેતવણી છે.’
પૂનિયાએ પોલીસ ફરિયાદ નોંધાવી
બજરંગ પૂનિયાને ધમકી મળ્યા બાદ તેણે સોનીપત બહાલગઢ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસે ધમકીને ગંભીરતાથી લઈ તપાસ શરૂ કરી દીધી છે. દેશના દિગ્ગજ ખેલાડી અને પ્રજા વચ્ચે જાણીતા પૂનિયાને ધમકી મળ્યા બાદ તેમના ચાહકો પણ ગુસ્સે ભરાયા છે.
આ પણ વાંચો : કોંગ્રેસ-સપાના ગઠબંધનમાં ક્યાં ફસાયો છે પેચ? પ્રિયંકા ગાંધીએ માંગી બેઠકો, અખિલેશની ‘ના’
પોલીસે પૂનિયાની સુરક્ષાની તૈયારી કરી
પોલીસે કહ્યું કે, અમે બજરંગ પૂનિયાને મળેલી ધમકી અંગે ગંભીરતાથી તપાસ કરી રહ્યા છીએ અને ધમકી આપનાર વ્યક્તિની ઓળખ કરવા માટે જરૂરી પગલાં ભરી રહ્યા છે. પોલીસે બજરંગ અને તેમના પરિવારની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટેની વિશેષ તૈયારી કરી છે.
પૂનિયા કોંગ્રેસ થયા સામેલ
હરિયાણા વિધાનસભા ચૂંટણી પહેલા બજરંગ પૂનિયા કોંગ્રેસમાં જોડાયા છે. તેમને શુક્રવારના રોજ કોંગ્રેસને ખેસ ધારણ કર્યો છે. તેમની સાથે ઓલમ્પિક કુસ્તીબાજ વિનેશ ફોગાટ પણ કોંગ્રેસમાં જોડાયા છે. આ દરમિયાન કોંગ્રેસના અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે અને અન્ય ઘણા નેતાઓ ઉપસ્થિત રહ્યા હતા. બંને કુસ્તીબાજોએ અગાઉ કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી સાથે પણ મુલાકાત કરી હતી અને પછી તેમણે પાર્ટીમાં જોડાવાનો નિર્ણય કર્યો હતો.