back to top
Homeહેલ્થWorld Alzheimer's Day: વર્ષ 2050 સુધી દેશમાં પાંચમાંથી એક વ્યક્તિ અલ્ઝાઈમર પીડિત...

World Alzheimer’s Day: વર્ષ 2050 સુધી દેશમાં પાંચમાંથી એક વ્યક્તિ અલ્ઝાઈમર પીડિત હોવાની શક્યતા

World Alzheimer’s Day 2024: રોજબરોજની ચીજવસ્તુ, ઘરની જ વ્યક્તિના નામ-ઘરનું જ સરનામું અચાનક જ યાદ ના આવે તો તેને સામાન્ય સમજીને નજરઅંદાજ કરવું ભૂલભર્યું છે. કારણે, તે અલ્ઝાઈમરના લક્ષણો હોઇ શકે છે. અલ્ઝાઈમરની સમસ્યા ધરાવનારામાં ધીરે-ધીરે ચિંતાજનક રીતે વધારો થઇ રહ્યો છે. એક અંદાજ પ્રમાણે ભારતમાં વર્ષ 2050 સુધીમાં પાંચમાંથી એક સિનિયર સિટીઝનને અલ્ઝાઈમરની સમસ્યા હોઇ શકે છે. આજે (21મી સપ્ટેમ્બર) ‘અલ્ઝાઇમર ડે’ છે ત્યારે તેના વધતા જતા કેસો ચિંતાના એલાર્મ સમાન છે.   

અલ્ઝાઈમરની સમસ્યા 60થી વધુ વયની વ્યક્તિમાં જોવા મળે છે

અલ્ઝાઈમરની સમસ્યા સામાન્ય રીતે 60થી વધુ વયની વ્યક્તિમાં જોવા મળે છે. પરંતુ છેલ્લા કેટલાક વર્ષથી તેમાં ટ્રેન્ડ બદલાયો છે અને હવે 50ની વયની આસપાસની વ્યક્તિમાં પણ અલ્ઝાઈમરના લક્ષણો જાવા મળી રહ્યા છે. અલ્ઝાઈમરના વધતા કેસ છતાં તેના અંગે હજુ આપણે ત્યાં જાગૃતિનો અભાવ છે. કોઇ વ્યક્તિને રોજબરોજની ચીજવસ્તુ-નીકટની વ્યક્તિના નામ યાદના આવતા હોય તો તે અત્યંત ગંભીર બાબત છે. 

અલ્ઝાઈમરના કેસ વધતા જીરિયાટિક વોર્ડ પણ શરૂ કરાયો

અમદાવાદમાં આવેલી ગવર્મેન્ટ મેન્ટલ હોસ્પિટલના ડો. અજય ચૌહાણે જણાવ્યું હતું કે, ‘થોડા વર્ષ અગાઉ અમારી પાસે પ્રત્યેક સપ્તાહે અલ્ઝાઈમરના માંડ પાંચ દર્દી આવતા હતા. પરંતુ હવે પ્રતિ દિવસે ઓછામાં ઓછો એક દર્દી તો આ પ્રકારના લક્ષણો સાથે આવે જ છે. અલ્ઝાઈમરના વધતા કેસને પગલે જેરિયાટિક વોર્ડ પણ શરૂ કરાયો છે. અલ્ઝાઈમર એ ન્યૂરો ડેવલપમેન્ટલ ડિસઓર્ડર છે. તેની શરૂઆત નાની વસ્તુ ભૂલવાથી થાય છે. સ્ટ્રેસફૂલ જીવન જીવનારા, હાઈ બીપી-ખૂબ જ ડાયાબિટિસ ધરાવનારા તેમ જ પરિવારમાં હિસ્ટ્રી હોય તેમને અલ્ઝાઇમર થઇ શકે છે. ‘

આ પણ વાંચો: વિશ્વની ખતરનાક ઢીંગલી, મ્યુઝિયમમાં કબાટમાં કેદ, અકસ્માતથી લઈને તલાક માટે પણ જવાબદાર

અલ્ઝાઇમરના આ પ્રકારના પ્રારંભિક લક્ષણો જોવા મળે ત્યારે જ સારવાર કરવામાં આવે તો અલ્ઝાઈમર વધુ હાવી થતાં અટકી શકે છે. વૃદ્ધાવસ્થામાં ભૂલવાની સમસ્યા તો રહે એમ વિચારીને ઘણા લોકો ડોક્ટર પાસે જવાનું ટાળે છે પણ તે યોગ્ય નથી. સામાન્ય લક્ષણમાં પણ ડોક્ટરની સલાહ લેવી હિતાવહ છે. હાલની સ્થિતિ જોતાં આવનારા સમયમાં અલ્ઝાઈમરના દર્દીઓ બમણા થઇ જાય તો પણ નવાઇ નહીં. 

ધ જર્નલ ઓફ અલ્ઝાઇમર એસોસિયેશનના વર્ષ 2022ના અભ્યાસ અનુસાર 60 વર્ષથી વધુ વયની વ્યક્તિમાં અલ્ઝાઈમરનું પ્રમાણ 7.4 ટકા છે. વર્ષ 2036 સુધીમાં આ પ્રમાણ હજુ વધી શકે છે. ગુજરાતમાં વર્ષ 2036 સુધીમાં ડિમેન્શિયાની સમસ્યા 8.17 લાખ લોકોને હોવાનો અંદાજ છે. 

સિવિલમાં ફૂલટાઇમ ન્યૂરો ફિઝિશિયન જ નથી

મગજને લગતી સમસ્યાના કેસમાં છેલ્લા કેટલાક વર્ષથી સતત વધારો થઇ રહ્યો છે. પરંતુ આશ્ચર્યજનક રીતે અમદાવાદની અસારવા સિવિલમાં ફૂલટાઇમ ન્યૂરો ફિઝિશિયન જ નહીં હોવાની માહિતી સિવિલના સૂત્રો પાસેથી મળી છે. જેના કારણે ન્યૂરો ફિઝિશિયન માટે સામાન્ય દર્દીએ ખાનગી હોસ્પિટલ-ક્લિનિકમાં મોંઘીદાટ ફી ચૂકવવી પડે છે. 

અલ્ઝાઈમરના લક્ષણો

•સામે વાળી વ્યક્તિ જાણીતી હોવા છતાં ઓળખવામાં વાર થવી.

•નામ યાદ આવવામાં સમસ્યા. 

•ખોરાક લીધો હતો કે કેમ, રોજબરોજનો રસ્તો યાદ નહીં આવવું. 

•સામાન્ય શબ્દ જેમ કે મોબાઇલ-પેન-ટીવી જેવા રોજબરોજના શબ્દો પણ માંડ યાદ આવવા.

•ખરીદી કરવા ગયા હોવ તો શું ખરીદી કરવા નીકળ્યા હતો તે જ યાદ નહીં આવવું, ચલણી નોટ ગણતા-ગણતા અચાનક જ તેનો ક્રમ ભૂલી જવો.

•કોઇ વ્યક્તિને ફોન કર્યા બાદ કયા કામથી ફોન કર્યો હતો તે યાદ નહીં આવવું. 

આ પણ વાંચો: ઈઝરાયલે હિઝબુલ્લાહના 100 રોકેટ લોન્ચર ખતમ કરતાં સ્થિતિ વિસ્ફોટક

અલ્ઝાઇમરનું જોખમ કઇ રીતે ઘટાડવું
•ફ્રૂટ્‌સ-શાકભાજી-કઠોળ જેવા પૌષ્ટિક ખોરાક વઘુ લેવા. 

•દરરોજ 30 મિનિટ કસરત કરો. 

•કોઇ નવી ભાષા-સંગીતનું સાધન શીખો. પઝલ-ક્રોસવર્ડ જેવી મગજનો ઉપયોગ થાય તેવી રમત રમો. પુસ્તક વાંચન, લેખ લખવો, કવિતા લખવા પાછળ સમય આપવો. 

•સિનિયર સિટીઝન્સે એકલવાયું જીવન જીવવા કરતાં શક્ય તેટલા લોકોને રોજ મળવું જોઇએ. કોઇ હોબી ક્લાસમાં પણ જોડાઇ શકાય. 

•બ્લડપ્રેશર-ડાયાબિટિસ-હૃદયની સમસ્યાને નિયંત્રણમાં રાખો.

•યોગ-ધ્યાન કરો. પ્રકૃતિના ખોળે સમય વીતાવો. 

•દરરોજ 7થી 8 કલાકની ઊંઘ લો.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments