Image Twitter
First Mpox Case Confirmed in Kerala : કેરળમાં મંકીપોક્સનો પહેલો કેસ નોંધાયો છે. કેરળ સરકારના મતે, યુએઈથી પરત ફરેલા એક 38 વર્ષીય શખ્સમાં મંકીપોક્સનું સંક્રમણ માલુમ પડ્યું છે. હાલ મલ્લપુરમ જિલ્લામાં તેની સારવાર ચાલી રહી છે. ગયા અઠવાડિયે મંકીપોક્સ જેવા લક્ષણો ધરાવતી એક વ્યક્તિને દિલ્હીની સફદરજંગ હૉસ્પિટલમાં દાખલ કરીને સારવાર અપાઈ હતી. નોંધનીય છે કે, ગયા મહિને જ વર્લ્ડ હેલ્થ ઑર્ગેનાઇઝેશને મંકીપોક્સને ઇમર્જન્સી જાહેર કરી હતી.
દુબઈથી કેરળ આવ્યો હતો આ વ્યક્તિ
જિલ્લા આરોગ્ય અધિકારીના જણાવ્યા પ્રમાણે આ વ્યક્તિ હાલમાં જ દુબઈથી કેરળ આવ્યો હતો અને બીમાર પડતાં તેને હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. એ પછી તેને મંજેરી મેડિકલ કૉલેજમાં દાખલ કરવામાં આવ્યો હતો. સંભવિત મંકીપોક્સ ચેપની શંકા હોવાના કારણે તેના સેમ્પલ લેવામાં આવ્યા છે. અને તે સેમ્પલને કોઝિકોડ મેડિકલ કૉલેજમાં પરીક્ષણ માટે મોકલવામાં આવ્યા છે.
દિલ્હીમાં પણ મંકીપોક્સનો કેસ નોંધાયો
રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં ગયા અઠવાડિયે મંકીપોક્સનો એક નવો કેસ નોંધાયો હતો. હરિયાણાના હિસારના એક 26 વર્ષીય એક યુવકને વાયરસથી ચેપ લાગ્યો હતો. અને હાલમાં તેને દિલ્હી સરકારની એલએનજેપી હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો.
વિશ્વ આરોગ્ય સંસ્થાની ચેતવણીથી અલગ કેસ
કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે જણાવ્યું કે, ભારતમાં જુલાઈ 2022થી અત્યાર સુધીમાં કુલ 30 કેસ નોંધાયા છે, પરંતુ તે અલગ કેસ છે. આ ઉપરાંત મંત્રાલયે એ પણ સ્પષ્ટતા કરી હતી કે, આ કેસ વર્લ્ડ હેલ્થ ઑર્ગેનાઇઝેશન (WHO) દ્વારા જાહેર કરાયેલ પબ્લિક હેલ્થ ઇમરજન્સીથી અલગ છે, જે મંકીપોક્સના ક્લેડ 1 સાથે સંબંધિત છે.