Shardiya Navratri 2024 : આ વર્ષનું બીજું અને છેલ્લું સૂર્યગ્રહણ 2 ઓક્ટોબરે થશે. અને તેના બીજા દિવસે એટલે કે 3જી ઓક્ટોબરથી શારદીય નવરાત્રિનો પ્રારંભ થઈ રહ્યો છે. જ્યારે 12મી ઓક્ટોબરે વિજયાદશમીના દિવસે સમાપ્ત થશે.
આ વખતે ગુરુવારથી નવરાત્રિ શરૂ થઈ રહી છે, તેથી દેવી માતા ડોલી પર સવાર થઈને આવશે. હિંદુ પંચાંગ પ્રમાણે આસો માસના શુક્લ પક્ષની એકમની તિથિથી નવરાત્રિનો પ્રારંભ થઈ રહ્યો છે. અને નવરાત્રિના પહેલા દિવસે આ ઘટસ્થાપન કરવામાં આવે છે.
નવરાત્રિના દસમા દિવસે દશેરાની ઉજવણી કરવામાં આવે છે. નવરાત્રિ દરમિયાન માતા દુર્ગાની પૂજા કરવામાં આવે છે. આ સાથે શારદીય નવરાત્રિને સૌથી મોટી નવરાત્રિમાંની એક માનવામાં આવે છે.
શારદીય નવરાત્રિનો શુભ સમય
હિંદુ પંચાંગ પ્રમાણે આસો માસની એકમ તિથિ એટલે કે, 3 ઓક્ટોબર, મંગળવારે સવારે 12:18 વાગ્યે શરૂ થશે અને 4 ઓક્ટોબરના રોજ 2:58 વાગ્યે સમાપ્ત થશે. ઉદયતિથિ પ્રમાણે શારદીય નવરાત્રિ ત્રીજી ઓક્ટોબરથી શરૂ થશે.
ઘટસ્થાપન મુહૂર્ત
આ દિવસે ઘટસ્થાપન મુહૂર્ત સવારે 6:15 મિનિટથી 7:22 મિનિટ સુધી અને અભિજીત મુહૂર્ત સવારે 11:46 મિનિટથી બપોરે 12:33 મિનિટ સુધી રહેશે. એટલે આ બે સમયમાં ઘટસ્થાપન કરવું જોઈએ.
પૂજા વિધિ
નવરાત્રિના પહેલા દિવસે વ્રત માટે સંકલ્પ લેવામાં આવે છે. સંકલ્પ લીધા પછી માટીના એક મોટા કોડિયામાં જવ વાવવામાં આવે છે, અને આ જવારાના કોડિયાને કલશ પર સ્થાપિત કરવામાં આવે છે. આ સાથે નવરાત્રિના નવ દિવસ દરમિયાન બ્રહ્મચર્યનું પાલન કરવું જોઈએ. સાદું ભોજન ખાવાનો આગ્રહ રાખવો. બહારની કોઈ વસ્તુ ખાવી જોઈએ નહી. અને બને તેટલા પ્રમાણમાં સાત્વિક રહેવું જોઈએ.