મુંબઈ : નાણાં વર્ષ ૨૦૩૦ સુધીમાં ભારતની કન્ઝયૂમર ડયૂરેબલ્સ માર્કેટનું કદ વધી રૂપિયા પાંચ લાખ કરોડને આંબી જવાની કન્ફેડરેશન ઓફ ઈન્ડિયન ઈન્ડસ્ટ્રી (સીઆઈઆઈ) દ્વારા અપેક્ષા વ્યકત કરવામાં આવી છે. દેશની કન્ઝયૂમર ડયૂરેબલ્સ બજાર આગામી ત્રણ વર્ષમાં વિશ્વની ચોથી મોટી બજાર બની રહેવાની પણ કન્ઝયૂમર ઈલેકટ્રોનિકસ અને ડયૂરેબલ્સ પરની સીઆઈઆઈ નેશનલ કમિટિએ જણાવ્યું હતું.
ભારતના પ્રોડકટસની વિશ્વમાં વિશ્વસ્નિયતા વધી રહી છે, આમ છતાં મજબૂત કવોલિટી વ્યવસ્થા ઊભી કરવાની તથા મજકૂર ક્ષેત્રમાં ધોરણાત્મકતા સ્વીકારવાનું જરૂરી છે એમ કમિટિના ચેરમેન બી. થિઆગરાજને એક પરિષદમાં બોલતા જણાવ્યું હતું.
આગામી દાયકામાં કન્ઝયૂમર ડયૂરેબલ્સ ક્ષેત્રની મૂલ્ય સાંકળમાં અનેક તકો ઊભી થવાની અપેક્ષા છે.
વિશ્વમાં ભારત કન્ઝયૂમર ડયૂરેબલ્સ માટે સૌથી ઝડપથી વિકસતી બજાર આ અગાઉ જ બની ગઈ છે અને ૨૦૨૭ સુધીમાં તે ચોથી મોટી બજાર બની રહેશે એટલુ જ નહીં આગામી છ વર્ષમાં બજારનું કદ વધી રૂપિયા પાંચ લાખ કરોડ પહોંચવા વકી છે.
પીએલઈ સહિતની વિવિધ સ્કીમ્સ મારફત સરકારે પૂરા પાડેલા ટેકાને કારણે દેશના આ ક્ષેત્રમાં સ્પર્ધાત્મકતા વધી છે અને ભારતને સ્વાવલંબી બનવામાં મદદ મળી છે.