ફિલ્મના સહ નિર્માતાની અરજીની હાઈકોર્ટમાં સુનાવણી વખતે સેન્સરે જાણ કરી
કંગના અને સેન્સર બોર્ડ વચ્ચે મીટિંગમાં સંમતિ સધાઈ : હાઈકોર્ટમાં હવે તા. 3જી ઓક્ટોબરે વધુ સુનાવણી થશે
મુંબઈ : કંગના રણૌત ‘ઈમર્જન્સી’ ફિલ્મમાં સેન્સર બોર્ડે સૂચવેલા ક્ટસ માટે સંમત થઈ ગઈ છે એમ સેન્ટ્રલ બોર્ડ ઓફ ફિલ્મ સર્ટિફિકેશન દ્વારા બોમ્બે હાઈકોર્ટે જણાવ્યું છે. કંગના આ ફિલ્મની નિર્માતા અને દિગ્દર્શક છે. તેણે ફિલ્માં સ્વ. વડાપ્રધાન ઈન્દિરા ગાંધીની મુખ્ય ભૂમિકા પણ ભજવી છે. ફિલ્મની અન્ય સહ નિર્માતા કંપની ઝી એન્ટરટેઈનમેન્ટએ આ ફિલ્મની રીલિઝ અટકાવવા સામે બોમ્બે હાઈકોર્ટમાં અરજી કરી છે તેની સુનાવણી દરમિયાન સેન્સર બોર્ડે હાઈકોર્ટને આ જાણ કરી હતી.
જસ્ટીસ બી. પી. કોલાબાવાલા તતા જસ્ટીસ ફિરદૌષ પુનીવાલાની એક બેન્ચ સમક્ષ સેન્સર બોર્ડના એડવોકેટ દ્વારા થયેલી રજૂઆતમાં આ માહિતી અપાઈ હતી.
ગયાં સપ્તાહે સેન્સર બોર્ડે હાઈકોર્ટને જણાવ્યું હતું કે ફિલ્મમાં કેટલાક કટ્સ સૂચવાયા છે. તેનો અમલ થાય તો આ ફિલ્મને રીલિઝ કરવાની મંજૂરી આપી શકાય છે.
ફિલ્મમાં સેન્સરે શીખ સમુદાયના લોકો અન્યો પર ગોળીબાર કરે છે તેવાં દ્રશ્યો હટાવવા સૂચવ્યું છે. આ ઉપરાંત સંજય ગાંધી તથા જ્ઞાાની ઝૈલસિંઘ વિશેના ડાયલોગમાં ભિંદરણાવાલે વિશેના ઉલ્લેખો હટાવવા કહ્યું છે.
આજની સુનાવણી દરમિયાન ઝીના એડવોકેટે પણ કહ્યું હતું કે કંગનાએ સેન્સરે સૂચવેલા કટ્સ સ્વીકારવા સંમતિ આપી છે. પરંતુ, કંગનાનો આગ્રહ છે કે ફક્ટ આટલા જ ક્ટસ હોવા જોઈએ. તેમણે કહ્યું હતું કે કંગના અને સેન્સર બોર્ડના પદાધિકારીઓ વચ્ચે મીટિંગ થઈ ચૂકી છે અને તે આ ક્ટસ માટે સંમત થઈ છે. હવે તેણે અને સેન્સર બોર્ડે આપસમાં સમજવાનું રહે છે.
સેન્સર તરફથી રજૂઆત કરાઈ હતી કે સેન્સર બોર્ડની રિવાઈઝિંગ કમિટીએ સૂચવેલા કટ્સ માંડ એકાદ મિનીટ જેટલા છે. તેમાં કેટલાક શબ્દ પ્રયોગો બદલવાનું જ જણાવાયુ છે.ફિલ્મમાં સેન્સર બોર્ડ દ્વારા કુલ ૧૩ કટ સૂચવાયા છે.
જોકે, ઝી ના એડવોકેટ દ્વારા આ બાબતે બંને પક્ષો તરફથી પુષ્ટિની માગણી કરવામાં આવી હતી. આથી અદાલતે બંને પક્ષકારો ઉચિત સૂચનાઓ મેળવી શકે તે માટે આ અરજીની સુનાવણી તા. ત્રીજી ઓક્ટોબર પર મુલત્વી રાખી હતી.
આ ફિલ્મમાં શીખ સમુદાયનું ખોટી રીતે ચિત્રણ કરાયું હોવાના મુદ્દે પંજાબમાં ભારે વિરોધ થયો છે. દેશભરનાં શીખ સંગઠનો તથા રાજકીય પક્ષોએ પણ ફિલ્મનો વિરોધ કર્યો છે. આ ફિલ્મ અગાઉ લોકસભા ચૂંટણી પહેલાં રીલિઝ થવાની હતી. બાદમાં રીલીઝ ડેટ બદલીને ગત છઠ્ઠી સપ્ટેમ્બર કરાઈ હતી. પરંતુ રાજકીય વિરોધ તથા કાનૂની લડાઈને કારણે રીલિઝ અટકી પડી હતી.
સહ નિર્માતા ઝી એન્ટરટેઈનમેન્ટના આરોપ અનુસાર સેન્સર બોર્ડે અગાઉ તેમને ઈમેઈલ પર સર્ટિફિકેટ મોકલી આપ્યું હતું. પરંતુ, રુબરુ પ્રમાણપત્ર આપવાનો ઈનકાર કરી દીધો હતો. ઝી દ્વારા એવી દલીલ કરાઈ હતી કે હરિયાણાં વિધાનસભા ચૂંટણી હોવાથી ત્યાં શાસક ભાજપના હિતોને નુકસાન ન થાય તે માટે કેન્દ્ર સરકારના ઈશારે આ ફિલ્મની રીલિઝ અટકાવી દેવાઈ છે.
જોકે, હાઈકોર્ટે આ દલીલ ફગાવી દીધી હતી અને જણાવ્યું હતું કે કેન્દ્રમાં શાસક પક્ષ તરીકે ભાજપ પોતાનાં જ સાંસદની ફિલ્મ અટકાવે તે શક્ય નથી.
અગાઉ સુનાવણી દરમિયાન હાઈકોર્ટે સેન્સરને કહ્યું હતું કે તે માત્ર વિરોધ કે તોફાન થવાના ભયે કોઈ ફિલ્મનું પ્રમાણપત્ર અટકાવી શકે નહીં. આ અભિવ્યક્તિની સ્વતંત્રતાનો ભંગ છે.