વર્કલોડથી યુવાન એક્ઝિક્યુટિવ પર માઠી અસરની ત્રીજા ઘટના
કાર રોકીને છલાંગ લગાવી દીધી : કામના લીધે ટેન્શનમાં હોવાની શંકા
મુંબઇ : શિવડી નજીક અટલ સેતુ પરથી આજે બેન્કના યુવાન ડેપ્યુટી મેનેજરે સમુદ્રમાં કૂદકો મારી દીધો હતો. તેઓ કારમાં આ બ્રીજ પર આવ્યા હતા. પોલીસ, ફાયર બ્રિગેડની ટીમે સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું.શોધખોળ માટે સ્પીડ બોટનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. સીસીટીવી કેમેરામાં આ ઘટના ઝડપાઇ ગઇ હતી. બેન્ક મેનેજર પર પુષ્કળ વર્કલોડ હોવાથી તેમણે આ અંતિમ પગલું ભર્યું હોવાનું તેમનાં પત્નીએ જણાવ્યું છે.
બાંદરા-વરલી સી લિંક બાદ હવે અટલ સેતૂ પરથી આત્મહત્યાની ઘટના વધી રહી છે. શિવડી પોલીસ સ્ટેશનની સિનિયર પોલીસ ઇન્સ્પેકટર રોહિત ખોતે ‘ગુજરાત સમાચાર’ને જણાવ્યું હતું કે પરેલમાં ૪૦ વર્ષીય સુશાંત ચક્રવતી તેની પત્ની અને પુત્ર સાથે રહેતા હતા. . ફોર્ટમાં આવેલી રાષ્ટ્રીયકૃત બેન્કમાં સુશાંત ડેપ્યુટી મેનેજર તરીકે નોકરી કરતા હતા. આજે સવારે ૮.૩૦ વાગ્યે પોતાની કારમાં ઘરેથી રવાના થયા હતા. પછી અટલ સેતૂ પર કારમાં આવ્યા હતા. તેમણે અંદાજે સવારે ૯.૫૭ વાગ્યે બ્રીજ પર કાર રોકીને સમુદ્રમાં કૂદકો મારી દીધો હતો.
આ બનાવની જાણ થતા પોલીસની ટીમ રેસ્ક્યુ ઓપરેશન માટે પહોંચી ગઇ હતી.ં સુશાંતની શોધખોળ ક રવામાં આવી હતી. પોલીસે સુશાંતના પરિવારની માહિતી મેળવી તેમને બનાવની માહિતી આપી હતી.
પત્નીના જણાવ્યા મુજબ સુશાંત કામના ટેન્શનમાં રહેતો હતા. તેમના પર કામનું બહુ ભારણ હતું અને તેના કારણે તેમને બહુ ટેન્શન રહેતું હતું. પોલીસને પ્રાથમિક તપાસ તેમની પાસેથી કોઇ ચીઠ્ઠી મલી નથી. એમ સિનિયર પોલીસ ઇન્સ્પેકટર રોહિત ખોતે વધુમાં કહ્યું હતું.
ઉલ્લેખનીય છે કે હજુ થોડા સમય પહેલાં પુણેમાં અર્નેસ્ટ એન્ડ યંગની યુવાન સીએનું પુષ્કળ વર્કલોડના કારણે મોત થયું હતું. થોડા દિવસો પહેલાં નાગપુરમાં એક આઈટી એનાલિસ્ટને વર્કલોડના કારણે ઓફિસમાં જ હાર્ટ એટેક આવ્યો હતો.
ગત મહિને મુલુંડની ૫૬ વર્ષીય મહિલા કૅબમાં અટલ સેતૂ પર આવી હતી. તેને સમુદ્રમાં પડતી ડ્રાઈવર અને પોલીસે બચાવી હતી.