Maharashtra Assembly Election 2024: મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીની તારીખોની જાહેરાત ગમે ત્યારે થઈ શકે છે. 2024ની મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી 2019ની સરખામણીમાં બિલકુલ અલગ રાજકીય પિચ પર રમાઈ રહી છે. આ વચ્ચે મહાવિકાસ અઘાડીના મુખ્યમંત્રી ચહેરો કોણ હશે? જેને લઈને રાજકીય નેતાઓમાં ચર્ચા તેજ થઈ ચૂકી છે. ત્યારે એનસીપી શરદ ચંદ્ર પવાર પાર્ટીના અધ્યક્ષ શરદ પવારના સંકેત બાદ રાજકીય હલચલ તેજ થઈ ગઈ છે.
ખુદ મુખ્યમંત્રી બનવાની કહાની જણાવતા તેમણે કહ્યું કે, ‘ધારાસભ્ય તરીકે મારા પાંચ વર્ષ બાદ મને સત્તાની એક નહીં પરંતુ બીજી સીટ મળી. હું ગૃહ રાજ્ય મંત્રી બન્યો, કૃષિ મંત્રી બન્યો, શરૂઆતના દિવસોમાં રાજ્ય મંત્રી રહ્યો. વસંત દાદાના નિધન બાદ હું ખુદ મુખ્યમંત્રી બન્યો. એક વખત નહીં, પરંતુ ચાર વખત મુખ્યમંત્રી બન્યો.’ આ ઘટનાક્રમને જણાવ્યા બાદ તેમણે રોહિત પવારના મંત્રી બનવાને લઈને સંકેત આપ્યા.
રોહિત પવાર હશે મુખ્યમંત્રી પદના દાવેદાર?
ખાનગી ન્યૂઝ એજન્સીના સમાચાર અનુસાર, NCP (SP) નેતા શરદ પવારે વધુમાં કહ્યું કે, રોહિતે પાંચ વર્ષ મહારાષ્ટ્રની સેવા કરી. તેઓ આગળ પણ પોતાની સેવા મહારાષ્ટ્રના ઈતિહાસમાં નોંધાવતા રહેશે. શરદ પવારે પોતાના રાજ્ય મંત્રીથી મુખ્યમંત્રી સુધીની સફર ગણાવી. જેને લઈને રાજકીય ક્ષેત્રે ચર્ચા થઈ રહી છે કે શરદ પવારે વાત-વાતમાં સંકેત આપ્યા છે કે રોહિત પવારે મુખ્યમંત્રી પદ સુધીની સફર ખેડી નાખી છે.
જણાવી દઈએ કે, શરદ પવાર રોહિત પવારના મતવિસ્તાર જામખેડ તાલુકાના ખારદામાં અલગ અલગ વિકાસ કાર્યોના ભૂમિપૂજન અને સમર્પણ સમારોહમાં પહોંચ્યા હતા, જ્યાં તેમણે લોકોને સંબોધિત કરતા આ વાત કહી. પવારના નિવેદનથી ચર્ચા તેજ થઈ ગઈ છે કે શું શરદ પવાર બાદ NCP (SP)થી રોહિત પવાર મુખ્યમંત્રી પદના દાવેદાર હશે.
આ પણ વાંચો: ઈઝરાયલે વધુ એક ખતરનાક કમાન્ડરને ઠાર કર્યો, કહ્યું- ‘હિઝબુલ્લાનું નામ-નિશાન મિટાવી દઈશું’
મુશ્કેલીના સમયમાં શરદ પવારની સાથે રહ્યા રોહિત
શરદ પવારના મુશ્કેલીના સમયમાં સાથે ચાલનારા રોહિત રાજેન્દ્ર પવાર જેઓ મરાઠા નેતા શરદ પવારના પૌત્ર છે. તેઓ પવાર ફેમિલીની ત્રીજી પેઢીથી આવે છે, જે રાજનીતિમાં સક્રિય છે. રોહિત દાદા શરદ પવાર અને તેમની દીકરી (ફઈ) સુપ્રિયા સુલેના સૌથી ભરોસાપાત્ર છે. જણાવી દઈએ કે, રોહિતના દાદા અપ્પા સાહેબ હતા, જે શરદ પવારના સગા મોટાભાઈ છે. શરદ પવારના ચાર ભાઈ-બહેન છે. અપ્પા સાહેબથી નાના અનંત રાવ હતા, જેમના દીકરા અજિત પવાર છે.
રોહિત લાંબી રેસના ઘોડા
પવાર ફેમિલીના આ આક્રમક યુવા નેતાએ પોતાના ગઢ બારામતીમાં જ રાજનીતિ અને સહકારિતાની લાંબી ટ્રેનિંગ લીધી છે. ત્યારે ખુદ દાદા શરદ પવાર રોહિતને NCPની આગામી પેઠીના નેતા તરીકે તૈયાર કરી રહ્યા છે. રોહિતે પવાર પરિવારના ગૃહ નગર બારામતીથી 2017માં જિલ્લા પંચાયતની ચૂંટણી જીતી હતી. ત્યારે વર્ષ 2019માં વિધાનસભા ચૂંટણીમાં NCPની ટિકિટથી કરજત જામખેડ વિધાનસભા વિસ્તારથી રોહિત જીત્યા અને ધારાસભ્ય બન્યા. તેમણે દેવેન્દ્ર ફડણવીસ સરકારના શક્તિશાળી મંત્રી રામ શિંદેને હરાવ્યા હતા. એવું પણ માનવામાં આવી રહ્યું છે કે, રોહિતનું વધતું વર્ચસ્વ અજિત પવારને ગમી નથી રહ્યું.
અજિત પવારે બળવો કરતા હવે શરદ પવારની નજર પોત્ર રોહિત પવાર પર ટકેલી છે. ત્યારે આ વખતે વિધાનસભા ચૂંટણીમાં રોહિત જ શરદ પવારના અભીમન્યુ છે. જોકે, શરદ પવારે તેમને પહેલાથી જ ફેમિલીના રાજકીય ઉત્તરાધિકારી તરીકે તૈયાર કર્યા છે. રોહિત પણ સમય-સમય પર દાદા શરદ પવારની રાજનીતિનું જરૂરી જ્ઞાન લેતા રહે છે.
આ પણ વાંચો: મારા અને શુભમન ગિલ વચ્ચે એવું કશું નથી: બોલિવૂડ અભિનેત્રીએ ડેટિંગની વાતો પર તોડ્યું મૌન
બિઝનેસમેન પણ છે રોહિત
રાજનેતા સિવાય રોહિત એક બિઝનેસમેન પણ છે. તેઓ બારામતી એગ્રો લિમિટેડના ચીફ એક્ઝીક્યુટીવ ઓફિસર પણ છે. આ સિવાય રોહિત પવાર ફેમિલીના સૌથી મજબૂત સેક્ટર શુગર મિલ્સ સાથે જોડાયેલા છે. તેઓ ઈન્ડિયન શુગર મિલ્સ એસોસિએશનના અધ્યક્ષ પદ પર પણ રહ્યા છે. તમામ જાણે છે કે પવાર ફેમિલીની મહારાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશનમાં લાંબા સમયથી દખલગીરી રહી છે. જોકે, રોહિત પવાર જ મહારાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશનના અધ્યક્ષ પદ પર પણ છે. તેમનો કાર્યકાળ 2025 સુધી છે.
પર્સનલ લાઈફની વાત કરીએ તો, રોહિતની પત્નીનું નામ કુંતી પવાર છે અને તેમને બે સંતાન છે. તેમના પરિવારની નેટવર્થ 1.5 મિલિયન જણાવાય રહી છે. ત્યારે વર્ષ 2022ના ઓગસ્ટમાં રોહિત પવાર EDના નિશાના પર હતા. ત્યારે ગ્રીન એકર રિસોર્ટ એન્ડ રિટેલર્સ પ્રાઇવેટ લિમિટેડના ડાયરેક્ટર રહેલા રોહિતની EDએ લાંબી પૂછપરછ કરી હતી.