– 3 ગામોને સિંચાઈ માટે પાણી મેળવવામાં મુશ્કેલી
– ગળતેશ્વરના ડાભસરથી કોસમની સીમ સુધી જતી સબમાઈનોર-૧ની સફાઈ કરાવવા માંગણી
ઠાસરા : ડાભસરથી કોસમની સીમ સુધી શેઢી કેનાલની સબમાઈનોર-૧ કેનાલ મારફતે ત્રણ ગામોના ખેતરોમાં સિંચાઈ માટે પાણી પૂરૂં પડાય છે. ત્યારે આ સબમાઈનોર કેનાલ પર વ્યાપક ઝાડી ઉગી નીકળવાના પરિણામે ખેતરો સુધી પાણી પહોંચતું નથી. જેથી સત્વરે ઉગી નીકળેલી જંગલી વનસ્પતિ સહિત ઝાડી દૂર કરી સફાઈ કરાય તેવી માંગણી ઉઠી છે. ખેડા જિલ્લાના ગળતેશ્વર તાલુકાના ડાભસર ગામથી નીકળી મહેમદાવાદ રાસ્કા વિયર તરફ જતી શેઢી શાખા (નર્મદા) નહેરમાંથી ડાભસર આડબંધની નજીકમાંથી નીકળતી શેઢી શાખા સબ માઇનોર નં.-૧ દ્વારા ડાભસર, અંબાવ અને કોસમ ગામના ખેડૂતોને વર્ષ દરમિયાન સિંચાઈનું પાણી મળે છે. જેથી આ ત્રણે ગામ માટે શેઢી શાખા સબ માઈનોર- ૧ જીવાદોરી સમાન છે. ત્યારે આ સબમાઈનોર કેનાલ પસાર થાય છે ત્યાંથી લઈ જ્યાં પૂરી થાય છે તે કોસમના સીમ વિસ્તાર સુધી જંગલી વનસ્પતિ સહિત વ્યાપક પ્રમાણમાં ઝાડી ઉગી નીકળી છે. જેના લીધે કોસમ સીમ વિસ્તારમાં પાણી આગળ જઈ ન શકતા ખેડૂતોના ખેતરો સુધી પાણી પહોંચતું નથી. જેના લીધે ખેડૂતોને પાક નિષ્ફળ જવાનો ભય છે. ચોમાસાના વરસાદી ઝાપટાંનું પાણી મળે છે પરંતુ જ્યારે વરસાદ ન હોય ત્યારે સબમાઈનોરનું પાણી પહોંચે તે માટે ડાભસરથી કોસમ સુધી ઝાડીની સફાઈ કરાય તેવી માંગણી ઉઠી છે.