back to top
Homeભાવનગરખાંભડા ગામે 14 વિદ્યાર્થીઓ ભરેલી બસ ફસાઈ, ગ્રામજનોએ ટ્રેકટરથી ખેંચી બહાર કાઢી

ખાંભડા ગામે 14 વિદ્યાર્થીઓ ભરેલી બસ ફસાઈ, ગ્રામજનોએ ટ્રેકટરથી ખેંચી બહાર કાઢી

– ભાવનગરના કોળિયાકના કોઝ-વેમાં બસ ફસાયાની ઘટના બાદ કોઝ-વે પર બસ ફસાઈ જવાની વધુ એક ઘટના બની 

– પોલીસ અને હોમગાર્ડ દ્વારા ના પાડવા છતાં ડ્રાઈવરે બસને પાણીમાં ઉતારી વિદ્યાર્થીઓની જિંદગી જોખમમાં મૂકી, બરવાળા મામલતદારે શાળાને કારણદર્શનક નોટિસ ફટકારી 

બોટાદ : ભાવનગરના કોળિયાક નજીકના કોઝ-વેમાં બસ ફસાવાની ઘટના હજુ તાજી જ છે, તેવામાં આજે બોટાદના ખાંભડા ગામે ઉતાવળી નદીના કોઝ-વે પરથી ધસમસતાં પાણીના પ્રવાહમાં  તરધરાની શાળાના ૧૪ વિદ્યાર્થીઓ ભરેલી બસ ફસાતાં દોડધામ મચી હતી. પોલીસ અને સ્થાનિક હોમગાર્ડ દ્વારા ના પાડવા છતાં ડ્રાઈવરે બસ પાણીમાં ઉતારતાં આખરે સ્થાનિક ગ્રામજનોએ ટ્રેકટર વડે બસને હેમખેમ બહાર ખેંચી લેતાં વિદ્યાર્થીઓ સહિત ગ્રામજનોએ રાહત અનુભવી હતી.જો કે, ગ્રામજનોની સતર્કતાથી મોટી દૂર્ઘટના બનતાં અટકી હતી. 

ગોહિલવાડ પંથકમાં અવિરત પડી રહેલાં વરસાદના કારણે નદી-નાળાં છલકાઈ રહ્યા છે. તો, ઉપરવાસમાં પડી રહેલાં વરસાદના પગલે કોઝ-વે પર પાણીના ધસમસતાં વ્હેણના કારણે વાહન વ્યવહાર સ્થગિત કરવો પડે છે.તાજેતરમાં જ કોળિયાક નજીક કોઝ-વેના ધસમસતાં પ્રવાહમાં તામિલનાડુના યાત્રાળુંઓ ભરેલી બસ ફસાઈ જતાં સતત આઠ કલાકના દિલધડક ઓપરેશનના અંતે યાત્રાળુંઓ સહિત બસને હેમખેમ બહાર કાઢવામાં આવી હતી.આ ઘટનાને લઈ ભાવનગર જિલ્લા વહીવટી તંત્રએ તમામ કોઝ-વે પર તાકીદની અસરથી તકેદારી રાખી વૉચ ગોેઠવી હતી. જેના પગલે ગત રવિવારના રોજ વલ્લભીપુર નજીક ચમારડી પાસેને કોઝ-વે પર પાણી ફરી વળતાં પોલીસ અને પ્રશાશને તાકિદની અસરથી તેના પરનો વાહન વ્યવહાર બંધ કરી દિધો હતો. અને પાણી ઓસર્યા બાદ કોઝ-વે ખોલી વાહન વ્યવહાર પૂર્વવત કર્યો હતો. આ જ રીતે બોટાદ જિલ્લામાં પણ સ્થાનિક પ્રશાસને તકેદારી રાખતાં આજે મોટી દૂર્ઘટના બનતાં અટકી હતી. જેમાં બોટાદ તાલુકાના બોટાદ તાલુકાના તરઘરા ગામની જ્ઞાનમંદિર વિદ્યાપીઠની સ્કૂલ બસ આજે સવારના સુમારે બરવાળા તાલુકાના ખાંભડા ગામેથી પસાર થતી ઉતાવળી નદી પરના કોઝ-વેમાં પાણીના પ્રવાહમાં ફસાઈ હતી. જો કે, ઉપરવાસમાંથી પાણી છોડવાની સંભાવના,નદીના પ્રવાહ અને વરસાદના પગલે તકેદારીના ભાગરૂપે બરવાળા મામલતદારે ગતરાત્રિથી પોલીસ અને હોમગાર્ડને આ સ્થળે રાઉન્ડ ધ કલૉક ફરજ બજાવવા સૂચના આપી હતી. જેના પગલે સ્થળ પર હાજર પોલીસ અને હોમગાર્ડ જવાનોએ સ્કૂલ બસના ડ્રાઈવરને પાણીના પ્રવાહમાં બસ ન નાંખવા તાકિદ કરી હતી. છતાં ડ્રાઈવરે તેમની સૂચનાને ગંભીરતાથી લેવાના બદલે બસ કોઝ-વે પરથી પસાર થતાં પાણીના પ્રવાહમાં નાંખતાં તે ફસાઈ હતી. વિદ્યાર્થીઓ  ભરેલી બસ ફસાતાં જ થોડા સમય માટે સ્થાનિક કક્ષાએ દોડધામ મચી ગઈ હતી. જો કે,સ્થાનિક ગ્રામજનોએ સમય સૂચકતા વાપરીને બસને ટ્રેકટર વડે ખેંચી પાણીમાંથી બહાર કાઢી હતી.  જયારે, બનાવની જાણ થતાં જ બરવાળા મામલતદારે શાળાના સંચાલકને શો-કોઝ નોટિસ ફટકારી ખૂલાસો કરવા તાકિદ કરી હતી. ડ્રાઈવરે બસ પાણીમાં ઉતારી બેદરકારી દાખવતાં મોટી દૂર્ઘટના બની શકે તેમ હતી. સદ્દનસીબે સ્થાનિક ગ્રામજનોની મહેનતથી દૂર્ઘટના થતાં અટકી હતી. અને તમામનો હેમખેમ બચાવ થયો હતો. 

શાળા સંચાલકો એકશનમાં આવ્યા, બસના ડ્રાઈવરને તાત્કાલિક અસરથી ફરજ મુક્ત કર્યો 

તરઘરા ગામે આવેલી જ્ઞાનમંદિર વિદ્યાપીઠમાં ફરજ બજાવતાં ડ્રાઈવર દ્વારા શાળાની  બસ પાણીના પ્રવાહમાં નાંખી વિદ્યાર્થીઓના જીવ જોખમમાં મુકવાની ઘટનામાં તંત્રએ નોટિસ ફટકારતાં શાળા સંચાલકો એકશનમાં આવ્યા હતા. આ મામલે બરવાળા મામલતદારે આપેલી નોટિસની સાથોસાથ સમગ્ર બનાવ અંગે શાળા સંચાલકોએ આચાર્ય મારફતે જિલ્લા શિક્ષણાધિકારીને પ્રાથમિક અહેવાલ આપ્યો હતો. જેમાં આચાર્યએ જણાવ્યું કે, તેમની શાળાની બસ નં. જીજે-૩૩ટી-૧૨૮૦ ના ડ્રાઈવર ધીરૂભાઈ શામજીભાઈ ગાબુ રેફડા, ચાચરિયા, ખાંભડા, સાળંગપુર ગામના વિદ્યાર્થીઓને અભ્યાસાર્થે શાળા સુધી લાવવા-લઈ જવાની ફરજ પર હતા. દરમિયાનમાં આજે ધો.૧થી ૫ અને ૧૧,૧૨ના વિદ્યાર્થીઓને સવારે ૭.૫૫ કલાકે શાળાએ ઉતારી ડ્રાઈવર બસ લઈને ધો.૬થી ૧૦ના વિદ્યાર્થીઓને લેવા માટે પહેલા રેફડા તેમજ ચાચરિયા ગયા હતા. બન્ને ગામના મળી ૧૪ વિદ્યાર્થીને લઈને ખાંભડાના વિદ્યાર્થીઓને લેવા જતા સવારે ૯ વાગ્યાની આસપાસ ખાંભડા ગામમાં આવેલ કોઝ-વેમાં બસનું આગળનું વ્હીલ ફસાતા બસ ફસાઈ ગઈ હતી. ત્યારબાદ સ્થાનિક ગ્રામજનોની મદદ લઈને ટ્રેક્ટર વડે બસને બહાર કઢાઈ હતી. આ બનાવની ગંભીરતાને લઈને બસના ડ્રાઈવરને ઠપકો આપી તાત્કાલિક અસરથી ફરજ મુક્ત કરવામાં આવ્યા છે. તેમ આચાર્યે પ્રાથમિક અહેવાલના અંતે જણાવ્યું હતું. 

વિદ્યાર્થીઓની જિંદગી જોખમમાં મૂકાય તે રીતે 

ગંભીર બેદરકારી મામલે શાળાને નોટિસ આપી ખુલાસો પુછાયો : મામલતદાર 

બોટાદ : બોટાદના ખાંભડા ગામે કોઝ-વેના પાણીમાં બસ ફસાઈ જવાની ઘટના મામલે બરવાળા મામલતદારે તરધરાની જ્ઞાનમંદિર વિદ્યાપીઠને શો-કોઝ નોટિસ ફટકારી ખુલાસો માંગ્યો છે. તેમણે નોટિસમાં ડ્રાઈવરે બસ કોઝ-વે પરથી પસાર થતાં ભયજનક પાણીમાં ઉતારી વિદ્યાર્થીઓની જિંદગી જોખમમાં મૂકાય તેવી ગંભીર બેદરકારી દાખવી હોવાનો ઉલ્લેખ કરી બે દિવસમાં સ્પષ્ટતા કરવા તાકિદ કરી છે. 

ડ્રાઈવરે બસમાંથી શાળાના વિદ્યાર્થીઓને નીચે ઉતારાયા છે કે કેમ તે મામલે પણ તપાસ થશે 

 બરવાળા મામલતદારના સી.આર. પ્રજાપતિએ તરઘરા જ્ઞાનમંદિર વિદ્યાપીઠના સંચાલકને આપેલી કારણદર્શક નોટિસમાં જણાવ્યું હતું કે, સ્કૂલ બસ બરવાળા તાલુકાના ખાંભડા ગામે વિદ્યાર્થીઓને લેવા ગઈ હતી. ત્યારે, ખાંભડા ગામેથી પસાર થતી ઉતાવળી નદી પરના કોઝ-વેમાં પાણી ચાલુ હોય અને કોઝ-વે પર ડેપ્યુટ કરવામાં આવેલ પોલીસ અને હોમગાર્ડ દ્વારા ના પાડવા છતાં બસ ડ્રાઈવર દ્વારા બસને ભયજનક રીતે વહેતા પાણીમાં ઉતારવામાં આવતા તે પાણીમાં ફસાઈ હતી.બસ ડ્રાઈવરે વિદ્યાર્થીઓની સલામતી અંગે જરૂરી ગંભીરતા દાખવ્યા વિના વિદ્યાર્થીઓની જિંદગી જોખમમાં મૂકાય તે રીતે નદીના પાણીના પ્રવાહની વચ્ચે ઉતારી બેદરકારી દાખવી છે. તો, સંચાલક દ્વારા સ્કૂલનું સંચાલન કરવામાં પૂરતી તકેદારી રાખવામાં આવી ન હોવાની તાકિદ કરાઈ છે. આ મામલે ગુજરાત રાજ્ય આપત્તિ વ્યવસ્થાપન નિર્દેશોના ભંગ બદલ જવાબદાર વિરૂધ્ધ શિક્ષાત્મક કાર્યવાહી શા માટે ન કરવી ? તેનો બે દિવસમાં ખુલાસોકવા નોટિસમાં તાકિદ કરાઈ  છે. જયારે, આ મામલે બરવાળાના મામલતદારે ટેલિફોનિક વાતચીતમાં એમ પણ જણાવ્યું હતું કે, બસ બંધ પડી ત્યારે વિદ્યાર્થીઓને બસમાંથી ઉતારવામાં આવ્યા હતા કે કેમ તે મામલે પણ તપાસ કરવામાં આવશે. 

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments