Shetrunji Dam : સૌરાષ્ટ્રનો સૌથી મોટો અને ભાવનગર જિલ્લાની જીવાદોરી સમાન શેત્રુંજી ડેમમાં ઉપરવાસમાંથી પાણીની આવક ચાલુ હોવાથી ડેમની સપાટીમાં સતત વધારો થઈ રહ્યો છે. ગત શનિવારે મોડીરાતના શેત્રુંજી ડેમ 90 ટકા ભરાઈ ગયો હતો તેથી નીચાણવાળા વિસ્તારોને સાવચેત રહેવા સૂચના આપવામાં આવી હતી. આજે સોમવારે શેત્રુંજી ડેમની સપાટી 34 ફૂટે પહોંચતા નીચાણવાળા 17 ગામોને ઍલર્ટ કરવામાં આવ્યા છે. હાલ ઉપરવાસમાંથી પાણીની આવક યથાવત્ રહેતાં ડેમના 20 દરવાજા 1 ફૂટ ખોલી ડેમમાંથી પાણી છોડવામાં આવ્યું છે.
કેટલાક દિવસથી વરસાદી માહોલ ફરી જામતાં ભાવનગર જિલ્લાના પાલિતાણા તાલુકાના શેત્રુંજી ડેમમાં ઉપરવાસમાંથી વરસાદી પાણીની આવક શરુ થઈ છે, જેના પગલે ડેમની સપાટીમાં સતત વધારો થઈ રહ્યો છે. ગત શનિવારે શેત્રુંજી ડેમમાં 30,350 ક્યુસેક પાણીની આવક ચાલુ હોવાથી રાતના 2 વાગ્યાની આસપાસ ડેમ 90 ટકા ભરાઈ ગયો હતો અને ડેમની સપાટી 32.3 ફૂટે પહોંચી હતી પરંતુ ત્યારબાદ રાતના 4 વાગ્યે પાણીની આવક ઘટીને 16,232 થઈ હતી, સવારે 6 કલાકે પાણીની આવક ઘટીને 8,117 ક્યુસેક થઈ હતી.
શેત્રુંજી ડેમના 20 દરવાજા 1 ફૂટ ખોલ્યા
રવિવારે સાંજના સમયે શેત્રુંજી ડેમમાં 8,117 ક્યુસેક પાણીની આવક યથાવત્ હતી, જેના પગલે ડેમની સપાટી 33.1 ફૂટે પહોંચી હતી. શેત્રુંજી ડેમમાં હાલ બે કલાકે 1 ઇંચ પાણીની સપાટી વધી રહી હતી. આજે સોમવારે શેત્રુંજી ડેમની સપાટી 34 ફૂટે પહોંચતા નીચાણવાળા 17 ગામોને ઍલર્ટ કરવામાં આવ્યા છે. હાલ ઉપરવાસમાંથી પાણીની આવક યથાવત્ રહેતાં ડેમના 20 દરવાજા 1 ફૂટ ખોલી ડેમમાંથી પાણી છોડવામાં આવ્યું છે.
છેલ્લા કેટલાક વર્ષથી શેત્રુંજી ડેમ છલકાઈ રહ્યો છે તેથી ચાલુ વર્ષે પણ ડેમ છલકાય તેની લોકો આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યા હતા. ઉલ્લેખનીય છે કે, શેત્રુંજી ડેમમાંથી ભાવનગર શહેરના ઘણા વિસ્તારને પીવાનું પાણી આપવામાં આવે છે. આ ઉપરાંત તળાજા સહિતના કેટલાક વિસ્તારમાં કેનાલ મારફત સિંચાઈ માટે શેત્રુંજી ડેમમાંથી પાણી આપવામાં આવતું હોય છે. શેત્રુંજી ડેમ હવે છલકાવવાની તૈયારીમાં છે તેથી લોકોમાં આનંદની લાગણી ફરી વળી છે અને ડેમ ઝડપથી છલકાય તે માટે લોકો પ્રાર્થના કરી રહ્યા હતા.