– ખેડૂતોને નાણાંકીય સહાય ચૂકવવવા રજૂઆત
– પવન સાથેના ભારે વરસાદથી ખેડૂતોને મોંઘાદાટ બિયારણ અને મજૂરીનો ખર્ચો માથે પડશે, આવેદનપત્ર પાઠવાયું
વલ્લભીપુર તાલુકાના પાટણા ગામ તેમજ આજુબાજુના ભાવનગર અને બોટાદ જિલ્લાના ગામડાઓના સમગ્ર વિસ્તારોમાં ચોમાસાની સિઝનની શરૂઆતથી જ જરૂરિયાત મુજબ વરસાદ થયો હતો, આ દરમિયાન મોટા ભાગના ખેડૂતોએ આગોતરું આયોજન કરી વાવણી કર્યા બાદ સારા વરસાદને લીધે મોલાત ઘણી સારી ઉગી હતી.તે દરમિયાન ગત સપ્તાહ દરમિયાન અતિવૃષ્ટિને લઈને આ પંથકના ખેડૂતોના અમુલ્ય પાકને વ્યાપક પ્રમાણમાં નુકશાન થવા પામેલ છે. તેથી આ વિસ્તારોના તમામ ખેડૂતોને બિયારણ અને મજૂરીનો ખર્ચો પણ માથે પડશે એવું લાગી રહ્યું છે.ભારે પવન અને તોફાની વરસાદને કારણે આ પંથકમાં ઉભા પાકને ખૂબ જ મોટું નુકસાન થયું છે અને જગતનાં તાત એવા બલિરાજાની છેલ્લા સાડા ત્રણ મહિનાની મહેનત પર પાણી ફરી વળ્યું છે. ખેડૂતોના માથે જાણે કે, આભ ફાટી પડયુ હોય તેવી સ્થિતિ સર્જાઈ છે. આવી વિકટ સ્થિતિમાં રાજય સરકાર દ્વારા ભાવનગર જિલ્લાના વલ્લભીપુર, ઉમરાળા, ભાવનગર તાલુકા તેમજ બોટાદ તાલુકાનાં ઉપરોકત ગામડાઓના સમગ્ર વિસ્તારને લીલો દુષ્કાળગ્રસ્ત વિસ્તાર જાહેર કરી સત્વરે ખેડૂતોને નાણાકીય સહાય કરવામાં આવે તેવી પાટણા ભાલના સામાજીક કાર્યકર ભાવેશભાઈ ગાબાણીએ રાજયના કૃષિ મંત્રીને આવેદનપત્ર પાઠવી યોગ્ય કાર્યવાહી હાથ ધરવા માંગ ઉઠાવી છે.