back to top
Homeભાવનગરભાવનગરમાં સ્વચ્છતા હી સેવા કાર્યક્રમના પગલે મનપાના કર્મચારીઓની દોડધામ વધી

ભાવનગરમાં સ્વચ્છતા હી સેવા કાર્યક્રમના પગલે મનપાના કર્મચારીઓની દોડધામ વધી

– ગત તા. 17 સપ્ટેમ્બરથી 16 દિવસ સતત સ્વચ્છતા અંગેના કાર્યક્રમનું આયોજન 

– મહાપાલિકાના અધિકારી-કર્મચારીઓ દરરોજ કાર્યક્રમના કારણે થાકી ગયાની ચર્ચા, ઓફિસની કામગીરી પણ કરવાની અને સાથે કાર્યક્રમમાં પણ હાજરી આપવાની હોવાથી કચવાટ 

ભાવનગર : ભાવનગર મહાપાલિકા દ્વારા સ્વચ્છતા હી સેવા અભિયાન અંતર્ગત જુદા જુદા કાર્યક્રમનુ આયોજન કરવામાં આવી રહ્યુ છે, જેના પગલે મહાપાલિકાના અધિકારી-કર્મચારીઓની દોડધામ વધી છે. સ્વચ્છતા હી સેવા અભિયાન અંતર્ગત ૧૬ દિવસ સુધી દરરોજ કાર્યક્રમ રાખવામાં આવ્યા છે, જેના પગલે મહાપાલિકાના કર્મચારીઓ થાકી ગયા હોવાનુ ચર્ચાય રહ્યુ છે અને બેવડી કામગીરીથી કર્મચારીઓમાં કચવાટ ફેલાયો છે. 

મહાપાલિકા દ્વારા સ્વચ્છતા હી સેવા અભિયાન અંતર્ગત ગત તા. ૧૭ સપ્ટેમ્બરથી આગામી તા. ર ઓકટોબર-ર૦ર૪ દરમિયાન દરરોજ જુદા જુદા કાર્યક્રમનુ આયોજન કરવામાં આવેલ છે, જેમાં સાંસ્કૃતિક ઉત્સવ, વૃક્ષારોપણ, સ્વચ્છતા રેલી, યોગ શિબિર સહિતના કાર્યક્રમનો સમાવેશ થાય છે. સ્વચ્છતા હી સેવા અંતર્ગત સતત કાર્યક્રમ ગોઠવવામાં આવતા મહાપાલિકાના અધિકારી-કર્મચારીઓની દોડધામ વધી છે. કાર્યક્રમની જવાબદારી પણ મહાપાલિકાના અધિકારી-કર્મચારીઓની હોય છે તેથી તેઓ કાર્યક્રમના આયોજનમાં વ્યસ્ત જોવા મળતા હોય છે. આ ઉપરાંત રાજકીય લોકોને જાણ કરવી તેમજ કાર્યક્રમમાં લોકોને ભેગા કરવા સહિતની જવાબદારી હોય છે તેથી હાલ મહાપાલિકાના અધિકારી-કર્મચારીઓ કામગીરીથી થાકી ગયા હોવાની ચર્ચા સાંભળવા મળી હતી. 

મહાપાલિકાના અધિકારી-કર્મચારીઓએ ઓફીસના સમયે કચેરીની કામગીરી કરવાની હોય છે, આ ઉપરાંત સવારે અથવા સાંજના સમયે સ્વચ્છતા હી સેવા કાર્યક્રમના આયોજન હોય છે તેથી તેઓએ તેમાં પણ હાજરી આપવાની હોય છે, જેના પગલે અધિકારી-કર્મચારીઓના કામ કલાક વધી ગયા છે અને હાલ કાર્યક્રમનો થાક લાગ્યો હોવાનુ ચર્ચાય રહ્યુ છે. મહાપાલિકાના કાર્યક્રમ હોવાથી કર્મચારીઓ કંઈ બોલી પણ શકતા નથી, જેના કારણે હાલ કર્મચારીઓની કામગીરી બેવડાય હોવાનુ કહેવાય છે. આ અભિયાનને હજુ ત્રણ દિવસ બાકી છે, જેમાં સ્વચ્છતા સંવાદ, વેસ્ટ ટુ આર્ટ ફેસ્ટ, એવોર્ડ અને સન્માન સમારોહ, પ્રદર્શની વગેરે કાર્યક્રમ યોજાશે. આ કાર્યક્રમ પૂર્ણ થયા બાદ અધિકારી-કર્મચારીઓને રાહત થશે પરંતુ ત્યારબાદ પણ નવા કાર્યક્રમ શરૂ થવાની ચર્ચા છે તેથી કર્મચારીઓ કંટાળ્યા હોવાની ચર્ચા ચાલી રહી છે. 

મનપાના કાર્યક્રમમાં નગરસેવકો પણ હાજર રહેતા નથી 

ભાવનગર મહાપાલિકા દ્વારા સ્વચ્છતા હી સેવા અભિયાન અંતર્ગત જુદા જુદા કાર્યક્રમનુ આયોજન કરવામાં આવી રહ્યુ છે, જેના પગલે અધિકારી-કર્મચારીઓ દ્વારા નગરસેવકોને કાર્યક્રમમાં હાજર રહેવા ફોન કરવામાં આવતા હોય છે પરંતુ દરરોજ કાર્યક્રમ હોવાથી મોટાભાગના નગરસેવકો હાજર રહેતા નથી. કેટલાક નગરસેવકો પણ સતત કાર્યક્રમના પગલે થાકી ગયા હોવાનુ કહેવાય છે. આ કાર્યક્રમોમાં પદાધિકારીઓ હાજર રહેતા હોય છે. 

મોટાભાગના કાર્યક્રમમાં લોકોની પાંખી હાજરી

સ્વચ્છતા હી સેવા અભિયાનના જુદા જુદા કાર્યક્રમમાં લોકો હાજર રહે તે માટે ભાવનગર મહાપાલિકાના અધિકારી-કર્મચારીઓ પ્રયાસ કરવામાં આવતા હોય છે પરંતુ મોટાભાગના કાર્યક્રમમાં લોકોની પાંખી હાજરી જોવા મળતી હોય છે. મહાપાલિકાના કાર્યક્રમમાં લોકોની ઓછી હાજરીના પગલે કમિશનરે પણ સંકલનની બેઠકમાં ટકોર કરી હતી અને કર્મચારીઓને પણ હાજર રહેવા જણાવ્યુ હતું. આ કાર્યક્રમોમાં કર્મચારીઓ હાજર હોય છે પરંતુ અન્ય લોકો ખુબ જ ઓછા જોવા મળતા હોય છે. 

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments