– કૉલેજીયનને અડાજણ રોડ પર રીક્ષામાં છાતીમાં દુઃખાવો ઉપડયોઃ
ખટોદરામાં યુવાન જાગ્યો નહી અને પુત્ર સાથે વાત કરતી મહિલા ઢળી પડી
સુરત :
શહેરમાં
લાંબા સમયથી અચાનક બેભાન થવા કે છાતીમાં દુઃખાવો ઉપડયા બાદ એક પછી એક મોત થવાના
બનાવમાં ચિંતાજનક વધારો થઇ રહ્યો છે. તેવા સમયે અડાજણ રોડ પર રિક્ષામાં છાતીમાં
દુઃખાવો થયા બાદ બેભાન થયેલો વરાછાનો ૨૧ વર્ષીય કોલેજીયન તથા ખટોદારામાં ૨૪ વર્ષીય
યુવાન અને ૪૪ વર્ષીય મહિલાની તબિયત બગડયા બાદ મોતને ભેટયા હતા.
નવી
સિવિલથી મળેલી વિગત મુજબ વરાછામાં હીરાબાગ ખાતે નર્મદનગર સોસાયટીમાં રહેતો ૨૧
વર્ષીય મિલાપ વિશાલ પટેલ ગુરુવારે સવારે અડાજણમાં ભૂલકા ભવન પાસે બાઇક મુકીને એક
ઓટો રીક્ષામાં બેસીને ઘરે આવવા નીકળ્યો હતો. તે સમયે અડાજણ પાટીયા રોડ પર દીપા
કોમ્પ્લેક્સ સામેથી રીક્ષામાં જ તે અચાનક બેભાન થઈ ગયો હતો. જેથી તેને રીક્ષા ચાલક
દિનેશ પુરોહિતે સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડાયો હતો. જયાં ફરજ પરના ડોક્ટરે
તેને મૃત જાહેર કર્યો હતો. જયારે મિલાપ મુળ ભાવનગરમાં શિહોર તાલુકામાં આંબલાગામનો
વતની હતો. તે અઠવા લાઇન્સ ખાતે સ્કેટ કોલેજમાં આકટેક્ટનો અભ્યાસ કરતો હતો. તેના એક
ભાઇ છે. જયારે તેના પિતા લુમ્સખાતુ ચલાવે છે.
બીજા
બનાવમાં ખટોદરા રોડ પર પંચશીલનગરમાં રહેતો ૨૪ વર્ષીય સાજનકુમાર મધુસુદન સિંહ ગત
રાતે પાંડેસરાની કંપનીમાં નોકરીએથી ઘરે આવીને ભોજન કરીને સુઇ ગયો હતો. જોકે આજે
શુક્રવારે બપોરે તે નહી ઉઠતા તેના પરિચિત ચિંતાતુર થઇ ગયા હતા અને ૧૦૮ને કોલ કરતા
એમ્બ્યુલન્સ ત્યાં ધસી આવીને તેને સ્ટાફે મૃત જાહેર કર્યો હતો. તે મુળ બિહારનો
વતની હતો. તેને સંતાનમાં બે પુત્રી છે.
જ્યારે
ત્રીજા બનાવમાં ખટોદરામાં પંચશીલનગરમાં રહેતા ૪૪ વર્ષીય રેખાબેન અનિલભાઇ કનોજીયા
આજે બપોરે ઘરમાં તેના પુત્ર આદર્શ સાથે બેસીને વાતચિંત કરતા હતા. તે સમયે તેમની
અચાનક તબિયત બગડતા બેભાન થયા હતા. જેથી તેને સારવાર માટે નવી સિવિલમાં લાવ્યા હતા.
જયાં ફરજ પરના ડોકટરે તેને મૃત જાહેર કર્યા હતા. તે મુળ ઉતરપ્રદેશમાં અયોધ્યાના
વતની હતા. તેમને સંતાનમાં બે પુત્ર છે. તેમના પતિ લોન્ડ્રીની દુકાન ચલાવે છે.