વડોદરા : વડોદરામાં તાજેતરમાં હિન્દી ભાષાના મહિલા સાહિત્યકારોના રાષ્ટ્રીય સંમેલન નારી અસ્મિતાનું આયોજન કરવામાં આવ્યુ હતું જેમાં ગુજરાત ઉપરાંત મેઘાલય, મહારાષ્ટ્ર, ગોવા, તેલંગાણા, હરિયાણા, ઉત્તરપ્રદેશ, મધ્યપ્રદેશ અને રાજસ્થાનમાંથી મહિલા સાહિત્યકારોએ ભાગ લીધો હતો.
આ સંમેલનનો મુખ્ય વિષય ‘તૂટતા પરિવારો – કારણ અને નિવારણ’ આ વિષય ઉપર બોલતા વડોદરાના જ મહિલા સાહિત્યકાર ગીતાંજલી ચેટર્જીએ કહ્યું હતું કે ‘સમાજ ઝડપથી બદલાઇ રહ્યો છે. લોકોમાં સહનશક્તિ ખૂટી રહી છે. આવા સંજોગોમાં સંબંધો ટકાવી રાખવા જેવી જટીલ સમસ્યા કોઇ નથી. તમે એવુ સમજો કે સંબંધો અથાણા જેવા છે. તેમાં ખાટા, મીઠા,તુરા,તીખા,ખારા એમ તમામ સ્વાદ હોય છે. ચટપટા અથાણાને લાંબા સમય સુધી સાચવી રાખવા માટે સમયાંતરે તેને ખુલ્લી હવા અને આકરા તડકામાં મુકવા પડે છે નહી તો તેમાં ફુગ લાગી જાય છે. તે રીતે સંબંધોને સમજદારી, સ્નેહ અને સમર્પણની ખુલ્લી હવા અને કઠીન સમયનો તાપ લાગે તો લાંબો સમય ટકી શકે. સ્વાર્થરૃપી ફુંગ સંબંધોને સડાવી નાખે છે.’