– ઈરાન લેબેનોનનું મિત્ર છે : હિઝબુલ્લાહને પૂરેપૂરો ટેકો આપે છે તેથી તેને નસરલ્લાહના છુપાવાનાં ગુપ્ત સ્થળની ખબર હોવાની શક્યતા છે
નવી દિલ્હી : શું ઈઝરાયલને હિઝબુલ્લાહ નેતા હસન નસરલ્લાહના છુપાવાનાં ગુપ્ત સ્થળની માહિતી ઈરાનના જાસૂસ તરફથી મળી હતી ? આ અંગે એક રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે એક ઈરાની જાસૂસે જ ઈઝરાયલને નસરલ્લાહનાં છુપાવાની માહિતી આપી દીધી હતી. વાસ્તવમાં ઈરાન લેબેનોનનું મિત્ર છે. તે હિઝબુલ્લાહ આતંકી જૂથને તમામ પ્રકારની આર્થિક અને શસ્ત્ર સહાય આપે છે. નસરલ્લાહનાં મૃત્યુ પછી ઈરાને એક નિવેદન પ્રસિદ્ધ કરી જણાવ્યું હતું કે સહુ મુસ્લિમોએ એક જૂથ થવાની જરૂર છે.
આ જોતાં તે અસંભવિત નથી કે ઈરાનને નસરલ્લાહનાં છુપાવાનાં ગુપ્ત સ્થળની માહિતી ન હોય. સંભવ તે પણ છે કે તેણે જ દગો કર્યો હોય.
પ્રાપ્ય માહિતી પ્રમાણે ઈરાનના અન્ડર-કવર-એજન્ટે જ ઈઝરાયલી અધિકારીઓને આ માહિતી આપી હશે. ફ્રેન્ચ અખબાર લે પેરિસ્યનનાં જણાવ્યા મુજબ તે જાસૂસે જ બૈરૂતનાં દક્ષિણનાં ઉપનગરમાં બનાવાયેલાં અન્ડર-ગ્રાઉન્ડ-હેડકવાર્ટરમાં નસરલ્લાહ છુપાયો છે.
જોકે જ્યારે આ હુમલો થયો ત્યારે નસરલ્લાહ છ માળના એક બિલ્ડિંગમાં હિઝબુલ્લાહના સીનીયર મેમ્બર્સ સાથે મીટિંગ કરી રહ્યો હતો. આ બિલ્ડિંગ બૈરૂતના દહીએર વિસ્તારમાં આવેલું છે જે હિઝબુલ્લાહનો ગઢ મનાય છે.
નસરલ્લાહ વિષે મળેલી આ માહિતીના આધારે ઈઝરાયલે આ હવાઈ હુમલો કરવા શનિવારે બપોરે જ એક વ્યૂહાત્મક મીટિંગ ગોઠવી હતી. ત્યારે સવારના ૧૧ વાગ્યા હતા. તે પછી ઈઝરાયલે ધુંઆધાર હુમલો કરી નસરલ્લાહને જન્નત નશીન કરી દીધો.
જોકે આ હુમલા પછી હિઝબુલ્લાહ અને ઈઝરાયલ યુદ્ધ તીવ્ર બની રહેવા સંભવ છે, ઈઝરાયલ તેના દુશ્મનોને એક યા બીજી રીતે મારી નાખે છે. જોકે, હવે હિઝબુલ્લાહમાં નેતૃત્વનું સંકટ પણ ઉભું થયું છે. લેબેનોન આ આફતમાંથી ઉગરવા પણ માંગે છે.