Varanasi Sai Baba Controversy: વારાણસીમાં સાંઈ બાબાની પ્રતિમાને લઈને સતત વિવાદ વકરી રહ્યો છે. કેન્દ્રીય બ્રાહ્મણ સભાના વિરોધ બાદ કાશીના મંદિરોમાંથી સાંઈ બાબાની પ્રતિમા હટાવવામાં આવી રહી છે. અત્યાર સુધીમાં કાશીના 14 મંદિરોમાંથી સાંઈ બાબાની મૂર્તિ હટાવી દેવામાં આવી છે. બીજી તરફ, કેટલાક લોકો બ્રાહ્મણ સભાના આ નિર્ણયનો વિરોધ પણ કરી રહ્યા છે. આ વિરોધના કારણે કાશીના મંદિરોમાંથી મૂર્તિ હટાવવા મુદ્દે હોબાળો પણ મચી ગયો છે.
સાંઈ બાબાની પૂજાને માનવામાં આવી રહી છે પ્રેત પૂજા
વાસ્તવમાં સાંઈ બાબાની પૂજાને પ્રેત પૂજા માનીને તેને સનાતન વિરોધી ગણાવવામાં આવી રહ્યું છે. તેથી વારાણસીમાં બ્રાહ્મણ સભાના લોકો મૂર્તિ હટાવી રહ્યા છે.
આ મામલે કેન્દ્રીય બ્રાહ્મણ સભાના પ્રદેશ અધ્યક્ષે જણાવ્યું કે, ‘સનાતન ધર્મમાં પ્રેત પૂજા માન્ય નથી. સાંઈની મૂર્તિ એક પ્રેત મૂર્તિ હતી, તેથી તેને હટાવવામાં આવી છે. હવે અહીં લક્ષ્મીજીની મૂર્તિ સ્થાપિત કરવામાં આવશે.’
ત્યાર પછી સાંઈ બાબાની મૂર્તિનું શું કરવામાં આવ્યું? આ સવાલ અંગે અધ્યક્ષે કહ્યું કે, ‘એ મૂર્તિને ગંગા નદીમાં વિસર્જિત કરી તેને મુક્તિ આપી દીધી છે.’
સાંઈ બાબાની પૂજા મંદિરમાં નહીં પણ ઘરમાં થવી જોઈએ: કેન્દ્રીય બ્રાહ્મણ સભા
સાંઈ બાબાના ભક્તોની નારાજગી પર કેન્દ્રીય બ્રાહ્મણ સભાના પ્રદેશ અધ્યક્ષે કહ્યું કે કોઈ પણ ભક્ત નારાજ નથી. તેમનું પણ એવું માનવું છે કે સાંઈ બાબાની પૂજા મંદિરમાં નહીં પણ ઘરમાં થવી જોઈએ. શું સાંઈ બાબા આપણા ભગવાનને આશીર્વાદ આપશે? અમે સનાતન ધર્મમાં માનનારાને અપીલ કરીએ છીએ કે, પોતાના દેવી-દેવતાઓમાં વિશ્વાસ રાખો અને અન્યથી મુક્તિ મેળવો.