back to top
Homeકચ્છઅંજારમાં મેઘલાડુ કૌભાંડ! સવાસર તળાવને વધાવવા 1 કલાકના કાર્યક્રમ માટે રૂ.58,600નો ખર્ચ!!

અંજારમાં મેઘલાડુ કૌભાંડ! સવાસર તળાવને વધાવવા 1 કલાકના કાર્યક્રમ માટે રૂ.58,600નો ખર્ચ!!

પાઈપલાઈન કૌભાંડ બાદ હવે વધુ એક કૌભાંડે ચર્ચા જગાવી

ગાંધીધામ: અંજાર નગરપાલિકામાં નવી આવેલી બોડી દ્વારા કરવામાં આવી રહેલા કામોમાં મોટા પાયે ભ્રષ્ટાચાર કરવામાં આવતો હોવાના આક્ષેપો ઉઠી રહ્યા છે. રિમોટથી ચાલતા પદાધિકારીઓને સંચાલન કરતાં આગેવાનો જેટલું કહે તેટલું જ કરતાં હોવાથી અને તેમના કહેવાથી જ આ ભ્રષ્ટાચાર કરવામાં આવી રહ્યો હોવાની ચર્ચાઓ વચ્ચે હજુ થોડા દિવસ પહેલા જ સ્ટેડિયમ પાસે પાઇપ નાખવાના કામમાં પાલિકા દ્વારા કરવામાં આવતો ભ્રષ્ટાચાર બહાર આવ્યો હતો. જેમાં એન્જિનિયરને હાથો બનાવી તેના પર તમામ જવાબદારી ઢોળી તેને સસ્પેન્ડ કરી નાખવામાં આવ્યો હતો અને મોટા માથાઓ બચી ગયા હતા. ત્યારે હવે સવાસર નાકા તળાવ ઓગનતા તેને વધાવવાના માટેના માત્ર ૧ કલાકના કાર્યક્રમ માટે રૂ. ૫૮,૬૦૦નો અધધ કહી શકાય તેટલો ખર્ચ કરી ફરી ભ્રષ્ટાચાર કરવામાં આવ્યો હોવાના આક્ષેપો ઉઠયા છે. 

૩૦૦ વ્યક્તિઓ હાજર છતાં ૯૦ કિલો મેઘલાડુંનો ઓર્ડર આપ્યો અને લાડુ ખવાઇ પણ ગયા..!!

આ અંગે મળતી માહિતી મુજબ ગત તા. ૨૩-૭ના અંજારમાં પડેલા ભારે વરસાદ બાદ સવાસર તળાવ ઓગની જતાં અંજાર નગરપાલિકા દ્વારા તળાવને વધાવવા તા. ૨૪-૭ના કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. આ વેળાએ પાલિકા દ્વારા ફુલહાર, મેઘલાડું, કચ્છી પાઘડી, ઢોલ-શરણાઈ, અલ્પાહાર વગેરેનું આયોજન કર્યું હતું. લગભગ માત્ર ૧ કલાક પૂરતો ચાલેલા આ કાર્યક્રમ માટે પાલિકાએ માનવમાં ન આવે તેટલો ખર્ચ કર્યો હતો. એક આરટીઆઈ દ્વારા માંગવામાં આવેલી માહિતીમાં પાલિકાએ વિગતો આપી હતી કે, સવાસર તળાવને વધાવવા માટે કુલ રૂ. ૫૮,૬૦૦નો ખર્ચ કરાયો છે. જેમાં રૂ. ૩૧૦૦ પૂજન સામગ્રી, રૂ. ૨૪૩૦૦ મેઘલાડું, રૂ. ૩૦૦૦ કચ્છી પાઘડી, રૂ. ૯૬૦૦ ઢોલ-શરણાઈ, રૂ. ૧૮૦૦૦ અલ્પાહાર અને રૂ. ૬૦૦નો ફૂલહારનો સમાવેશ થાય છે. 

માહિતીમાં પાલિકાએ એવું જણાવ્યુ હતું કે, ૯૦ કિલો મેઘલાડું (મોતીચૂરના લાડુ) મંગાવવામાં આવ્યા હતા. આ બાબતે અંજારની એક મીઠાઇની દુકાન વાળાને પૂછતાં તેણે જણાવ્યુ હતું કે જુલાઇ માસમાં મોતીચૂરના લાડુના ભાવ ૨૪૦ આસપાસ હતા. જેમાં એક કિલોમાં અંદાજિત ૨૪થી ૨૬ જેટલા નંગ આવે. એ મુજબ જોઈએ તો ૯૦ કિલોમાં ૨૨૦૦-૨૩૦૦ જેટલા લાડુ આવે. આ કાર્યક્રમમાં અંદાજિત ૩૦૦ જેટલા લોકો હાજર હતા ત્યારે આ ૯૦ કિલો લાડુ ક્યાં ગયા તે એક મોટો પ્રશ્ન છે. વળી ૨૪૦ ભાવ હોવા છતાં ૨૭૦ રૂપિયા કિલોએ પાલિકાએ આ લાડુ ખરીદ્યા હતા. એટલે કે ખરીદીમાં પણ ભ્રષ્ટાચાર અને ખરીદ્યા બાદ પણ પાલિકાએ માત્ર ભ્રષ્ટાચાર જ કર્યો હોવાના આક્ષેપો ઉઠી રહ્યા છે.  

અમે દર વર્ષે આ જ પ્રકારે ઉજવણી કરીએ છીએ, કોઈ ભ્રષ્ટાચાર નથી કર્યોે 

આ અંગે અંજાર પાલિકાના પ્રમુખ વૈભવ કોડરાણી સાથે વાત કરતાં તેમણે જણાવ્યું હતું કે, આ જે આયોજન કરાયું છે તે દર વર્ષે કરાય છે. અમે હજાર લોકો ઉપરાંત પાલિકાના સ્ટાફ અને નગરસેવકોને મેઘલાડુંના પેકેટ આપતા હોવાથી આટલા લાડુ તો જોઈએ જ, વળી ૧૧ લોકો ઢોલ-શરણાઈ વાળા હતા એટલે તેમનો બિલ ૯૬૦૦ થયો છે. અમે પ્રથમ વખત નાસ્તાનો આયોજન કર્યો હતો કાર્યક્રમમાં ૩૦૦ લોકો હજાર હતા. જેથી તેનો બિલ ૧૮૦૦૦ થયો છે. આમાં કોઈપણ પ્રકારે ભ્રષ્ટાચાર નથી થયો.

પાલિકાના એક કર્મચારીની ભૂંડી ભૂમિકા, તમામ ભ્રષ્ટાચાર એ જ કરાવે છે 

આ અંગે અંગત સૂત્રોએ જણાવ્યુ હતું કે, પાલિકામાં એક કર્મચારી છે જે હવે રિટાયરમેન્ટ થવાના  આરે આવ્યો હોવા છતાં ભ્રષ્ટાચાર કરવાનું મૂકતો નથી. કોઈપણ કામ કરાવવું હોય તો સત્તાધીશોને નહીં પણ તેણે કહેવું પડે છે તે કહે તો જ કામ થાય છે નહીં તો નથી થતું. આખી પાલિકામાં તેણે પોતાના માણસો ગોઠવી રહ્યા છે અને જેટલી પણ ખાયકી કરવામાં આવે છે તેમાં તેનો પૂરો હિસ્સો હોય છે ત્યારે આ કર્મચારીની પૂરતી તપાસ કરવામાં આવે તેવી પણ માંગ ઉઠી રહી છે.

પાલિકાએ ઉતાવળમાં માત્ર ૭ દિવસમાં જ પેમેન્ટ કરી દીધું

અંજાર નગરપાલિકા બિલ પાસ કરવામાં બદનામ છે. બિલ પાસ કરવામાં ખૂબ મોડુ કરવામાં આવતું હોવાથી પાલિકાના ખાતામાં કોઈ વસ્તુ આપવા અંજારનો વેપારી રાજી નથી ત્યારે સવાસર તળાવની ઉજવણીમાં જે બિલ થયું તેને પાસ કરવામાં પાલિકાએ ખૂબ ઉતાવળ દર્શાવી હતી અને ૨૪ તારીખે કરેલા ખર્ચને ૩૧ તારીખે યોજાયેલી સામાન્ય સભામાં મૂકી માત્ર ૭ દિવસમાં બિલ પાસ પણ કરી દેવામાં આવ્યો હતો. ત્યારે પાલિકાથી જે કાયદેસરના કામો છે તે કરવામાં વર્ષોનો વિલંબ કરવામાં આવે છે અને જેમાં ખાયકી કરવા મળી રહી છે તેનો બિલ પાસ કરવામાં ઉતાવળ કરવામાં આવતી હોવાના આક્ષેપો ઉઠી રહ્યા છે. 

જ્યાથી મેઘલાડું ખરીદ્યા તે પણ નગરસેવકના ભાઈની જ દુકાન 

અંજાર નગરપાલિકાના સત્તાધીશો દ્વારા પોતાના ગ્પના નગરસેવકોને સાચવવા તમામ પ્રકારે મદદ કરવામાં આવતી હોવાના આ અગાઉ પણ આક્ષેપો ઉઠી રહ્યા છે. ત્યારે આ વખતે પણ એવું જ બન્યું છે. જેમાં કોઈ જરૂર ન હોવા છતાં ૯૦ કિલો લાડુનો ઓર્ડર અપાયો અને મોંઘા ભાવે ખરીદયો પણ હતો. સૂત્રોએ આ બાબતે એવું પણ જણાવ્યું હતું કે જે શિવજી રોડ પર આવેલી એક મીઠાઇની દુકાન માથી લાડુની ખરીદી કરાઇ હતી. આ દુકાન સત્તાપક્ષના એક નગરસેવકના ભાઈની હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું. 

પાલિકાના પદાધિકારીઓ અને અધિકારીએ કર્યો દેખીતો ભ્રષ્ટાચાર 

આ બાબતે વિપક્ષના નેતા રાજેન્દ્રસિંહ જાડેજા સાથે વાત કરતાં તેમણે જણાવ્યુ હતું કે, પાલિકા જે કામ કરે છે તેનો ડબલ બિલ પાસ કરાવવામાં આવે છે. આ કાર્યક્રમમાં માની ન શકાય તેટલા રૂપિયાનો ખર્ચ કરી પાલિકાએ દેખીતો ભ્રષ્ટાચાર કર્યો છે. પ્રમુખ, શાસક પક્ષના નેતા, કારોબારી ચેરમેન અને ચીફ ઓફિસરની ઠરાવમાં સહી છે. જેથી તમામ લોકોએ સાથે મળી આ ભ્રષ્ટાચાર કર્યો હોય તેવું લાગી રહ્યું છે. આ બાબતે હવે પ્રાદેશિક કચેરીમાં લેખિત ફરિયાદ કરીશ અને જરૂર પડશે તો ન્યાય માટે તેથી પણ આગળ વધવાની તૈયારી છે. 

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments