Jamnagar : જામનગરના દરેડ ઉદ્યોગનગરના ઉદ્યોગકારોના નશીબ બરાબર નથી કારણ કે, આગેવાનો ચબરાક નથી. આ આગેવાનો વર્ષો સુધી હજારો ઉદ્યોગકારોને સારા રસ્તાઓ આપી શક્યા નહીં, અને પછી કરોડો રૂપિયાના ખર્ચથી એવા રસ્તાઓ બનાવ્યા, કે તેમાં ભ્રષ્ટાચારના ગાબડાં પડી જતાં ઉદ્યોગકારોની મહેનતની કમાણીના નાણાંનું પાણી પણ થયું અને ભંગાર રસ્તાઓ પર વાહનો ચલાવવાની વર્ષો જૂની મજબૂરી પણ યથાવત્ રહી.
દરેડ ઉદ્યોગનગરના ભંગાર રસ્તાઓની કહાની વર્ષો જૂની છે. દેશભરના વેપારીઓ અહીં આવે છે અને વિશ્વપ્રસિદ્ધ બ્રાસસિટીની ‘આબરૂ’ ની ધૂળધાણી થઈ રહી છે. વર્ષો સુધી આગેવાનો દરેડ ઉદ્યોગને સારાં રસ્તાઓ આપી શક્યા નહીં. વર્ષો સુધી હજારો ઉદ્યોગકારો અને લાખો કામદારોએ મગરની પીઠ જેવા રસ્તાઓને કારણે ભયંકર હાડમારીઓ સહન કરવી પડી. ઉદ્યોગકારો દ્વારા આ મુદ્દે સેંકડો વખત રજૂઆતો પણ થયેલી, તો પણ આગેવાનોએ પોતાના સમયે જ રસ્તાઓ બનાવ્યા. હજારો લાખો લોકોની વ્યથા વર્ષો સુધી સાંભળી જ નહીં.
દરેડ ઉદ્યોગકારોના એસોસિએશને મહાનગરપાલિકા સાથે એમઓયુ પણ કર્યું અને ઉદ્યોગકારો પાસે વાતો કરી, ઉદ્યોગકારોના ખિસ્સામાંથી રૂ.40 કરોડ ટેક્સના રૂપમાં કોર્પોરેશનની તિજોરીમાં ઠાલવી, આગેવાનોએ પોતાની વાહવાહી કરાવી લીધી અને વર્ષો સુધી તૂટેલાં રાખેલા રસ્તાઓ ઉદ્યોગકારોના નાણાંમાંથી જેમતેમ બનાવી નાંખ્યા. મહાનગરપાલિકા કયાંય કામ ન આવી. મહાનગરપાલિકાને 40 કરોડ રૂપિયા આપવાનો ઉદ્યોગકારોને કોઈ જ ફાયદો ન થયો. જેને કારણે હજારો ઉદ્યોગકારોમાં આગેવાનો પ્રત્યે રોષ અને નારાજગી વર્તાય છે.