– ખાનગી કંપની દ્વારા વિજલાઈન નાંખવાની કામગીરી માટે ઓછું વળતર ચુકવતા રોષ
– બનાસકાંઠા, પાટણ અને મોરબી જીલ્લાની જેમ બજારના ભાવથી વળતર ચુકવવામાં આવે તેવી માંગ
– યોગ્ય ઉકેલ નહિં આવે તો ગાંધીનગર સુધી જઈ ઉગ્ર આંદોલનની ચીમકી
સુરેન્દ્રનગર : સુરેન્દ્રનગર જીલ્લા કલેકટર કચેરી ખાતે અલગ-અલગ બે તાલુકાના અંદાજે ૪૦થી વધુ ગામોના ખેડુતો અને આગેવાનોએ ખાનગી કંપની દ્વારા નાંખવામાં આવતી વિજલાઈનના બદલામાં ઓછું વળતર ચુકવવામાં આવતા લેખીત રજુઆત કરી હતી અને બજાર ભાવથી વળતર ચુકવવામાં આવે તેવી માંગ કરી હતી.
આ અંગે રજુઆતમાં જણાવ્યા મુજબ જીલ્લાના ધ્રાંગધ્રા અને પાટડી તાલુકાના અંદાજે ૪૦થી વધુ ગામોમાં ખાનગી પાવરગ્રીડ કોર્પોરેશન કંપની દ્વારા ૭૬૫ કેવી ડબલ સર્કિટ લાકડીયાથી અમદાવાદ સુધીની વિજલાઈન પસાર કરવામાં આવી છે જેના માટે અનેક ખેડુતોના ખેતરોમાં વિજપોલ નાંખવા માટે ખોદકામ કરવામાં આવ્યું હતું. જેતે સમયે વિજલાઈન નાંખતી વખતે જંત્રી મુજબ ખેડુતોને વળતર ચુકવવામાં આવ્યંા હતું જે ખુબ જ ઓછું અને નજીવું હોવાથી ખેડતો સાથે અન્યાય થયો છે ત્યારે પાટણ જીલ્લામાં વર્ષ ૨૦૧૭માં હેતુ વાણિજ્યક ગણી બજાર ભાવથી ખેડુતોને વળતર ચુકવવામાં આવ્યું છે તેવી જ રીતે બનાસકાંઠા, મોરબી અને કચ્છ જીલ્લામાં પણ ખેડુતોને જંત્રીને બદલે બજાર ભાવથી વળતરની ચુકવણી કરવામાં આવી છે. પરંતુ સુરેન્દ્રનગર જીલ્લાના ધ્રાંગધ્રા અને પાટડી તાલુકાના ખેડુતોને જુની પધ્ધતિ મુજબ વળતર ચુકવવામાં આવતાં નુકશાની ભોગવવાનો વારો આવી રહ્યો છે. જે અંગે રજુઆત કરનાર ખેડુતના જણાવ્યા મુજબ સરકાર દ્વારા જમીનની જંત્રીની કિંમત અને જમીનની હાલની બજાર કિંમતમાં તફાવત હોય તેને સરખો કરી વળતર ચુકવવાની તમામ સત્તા કલેકટર પાસે છે પરંતુ સુરેન્દ્રનગર જીલ્લાના ખેડુતો સાથે વહીવટી તંત્ર દ્વારા અન્યાય કરવામાં આવ્યો છે અને કંપનીની તરફેણમાં ઓર્ડર કરવામાં આવ્યો હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો હતો. આ ઓર્ડરને કારણે કંપની દ્વારા પોલીસને સાથે રાખી ગેરકાયદેસર રીતે ખેડુતોના ખેતરોમાં વિજલાઈન નાંખવામાં આવી રહી છે જેના કારણે ખેડુતો અને પોલીસ વચ્ચે અવાર-નવાર ધર્ષણના બનાવો બની રહ્યાં છે. આથી જીલ્લાના ધ્રાંગધ્રા અને પાટડી તાલુકાના ૪૦થી વધુ ગામોના ખેડુતોના હિતને ધ્યાને લઈ કંપની દ્વારા હાલના બજાર ભાવ મુજબ વળતર ચુકવવામાં આવે તેવી માંગ કરી હતી અને આ અંગે કોઈ જ હકારાત્મક ઉકેલ નહિં આવે તો આગામી દિવસોમાં ભોગ બનનાર ખેડુતો સહિત આગેવાનો અને ગ્રામજનો દ્વારા ગાંધીનગર ખાતે ઉગ્ર આંદોલનની ચીમકી ઉચ્ચારી છે આ તકે મોટીસંખ્યામાં ખેડુતો રજુઆત દરમ્યાન હાજર રહ્યાં હતાં.