back to top
Homeઉત્તર ગુજરાતનવરાત્રિમાં ભક્તો માટે ખાસ ભેટ! પાવાગઢમાં ડુંગર ઉપર જ મળશે રહેવા અને...

નવરાત્રિમાં ભક્તો માટે ખાસ ભેટ! પાવાગઢમાં ડુંગર ઉપર જ મળશે રહેવા અને જમવાની સુવિધા

Pavagadh Redevelopment : નવદુર્ગાનો પવિત્ર તહેવાર એવી નવરાત્રિ નજીક આવી રહી છે. નોરતા દરમિયાન ઘણાં ભાવિ ભક્તો પાવાગઢમાં મહાકાળી માતાના મંદિરે દર્શનાર્થે જતાં હોય છે. ત્યારે આ વખતે નવલાં નોરતામાં મહાકાળી માતાના આશીર્વાદ લેવા જતાં ભક્તોને ખાસ સુવિધાનો લહાવો મળશે. પાવાગઢમાં ટૂંક જ સમયમાં ડુંગર ઉપર જ રહેવાની સગવડ, મોટું અન્નક્ષેત્ર, યજ્ઞકુંડ અને નવા પાર્કિંગ જેવી સુવિધાનો લાભ મળશે. અત્યાર સુધી દૂર-દૂરથી આવનાર માઈ ભક્તોને ત્યાં રહેવાની મુશ્કેલી પડતી હતી. પરંતુ, હવે યાત્રાળુઓને તકલીફ નહીં પડે. કારણ કે, હવે ડુંગર ઉપર જ રહેવાની સુવિધા મળશે. 

ડુંગર ઉપર જ રહેવાની સુવિધા

દેશભરમાંથી મકાકાળીના દર્શન માટે વિવિધ ભક્તો આવે છે. ઘણીવાર ધાર્મિક સ્થળોએ ભક્તોનું ઘોડાપૂર હોવાથી લોકોનો જેટલો ધસારો હોય છે, તેટલી રહેવાની સુવિધા મળતી નથી. જેના કારણે ભક્તોને મુશ્કેલીનો સામનો કરવો પડે છે. પરંતુ, હવે પાવાગઢના ડુંગર ઉપર જ મોટી ડોરમેટરીની સુવિધા ઉપલબ્ધ કરાવવાની તૈયારી થઈ રહી છે. જેથી લોકો રાત્રિ દરમિયાન આવ્યા હોય તો દિવસે બે-ત્રણ કલાક આરામ માટે રોકાઈ શકે. આ સિવાય પાવાગઢમાં દર્શને આવતાં ભક્તોને જમવાની મુશ્કેલી ન પડે તે માટે પણ આયોજન કરાયું છે. પાવાગઢમાં વિશાળ અન્નક્ષેત્રનું કામ પણ હવે પૂર્ણ થવાની તૈયારીમાં છે. આ અન્નક્ષેત્રમાં એકસાથે 600થી વધુ લોકો સાથે બેસીને ભોજન કરી શકશે.

આ પણ વાંચોઃ ખેલૈયા માટે ખુશખબર: ચોમાસાની વિદાય નજીક, જાણો આગામી 5 દિવસ કેવો રહેશે માહોલ

નવરાત્રિમાં ભક્તોને મળશે ભેટ

લગભગ દોઢ વર્ષ પહેલાં પાવાગઢમાં ડોરમેટરી અને અન્નક્ષેત્ર બનાવવાનું કામ શરુ થઈ ગયું હતું. હાલ આ બન્નેનું 80 ટકા જેટલું કામકાજ પૂરું થઈ ગયું છે અને નવરાત્રિ સુધીમાં આ સુવિધા ભક્તો માટે ખુલ્લી મૂકી શકાય તેવી સંભાવના છે. પાવાગઢમાં નિર્માણ થઈ રહેલાં આ ડોરમેટરી તેમજ અન્નક્ષેત્રની ઇમારતનો દેખાવ પણ મંદિરના સ્ટ્રક્ચર જેવો જ રાખવામાં આવ્યો છે. 

પાર્કિંગની સમસ્યાથી મળશે છૂટકારો

આ સિવાય પાવાગઢમાં દૂર-દૂરથી વાહન લઈને આવતા ભક્તોને પાર્કિંગની સમસ્યાનો સામનો કરવો પડતો હતો. પરંતુ, પાવાગઢ યાત્રાધામ વિકાસ બોર્ડ અને સરકાર દ્વારા આ મુશ્કેલી પણ દૂર કરી દેવાઈ છે. પાવાગઢમાં જ્યાંથી રોપ-વે સેવાની શરુઆત થાય છે, ત્યાં જ એક ભવ્ય પાર્કિંગ બનાવવામાં આવી રહ્યું છે. આ નવા પાર્કિંગમાં 400થી વધુ કાર, આશરે 100 જેટલી બસો અને ટુ-વ્હીલર પાર્ક કરી શકાય તેવી સુવિધા ઊભી કરવામાં આવી રહી છે. આ મલ્ટિલેવલ પાર્કિંગ પ્રોજેક્ટનો એક માળ બનીને તૈયાર થઈ ગયો છે અને પહાડી વિસ્તારમાં બનેલા પાર્કિંગ એરિયાનું પણ મોનિટરિંગ થઈ રહ્યું છે. 

આ પણ વાંચોઃ ગુજ્જુ ડોક્ટરે પ્લાસ્ટિક બેગ્સ ભેગી કરી બનાવ્યો દેશનો પ્રથમ ઇકો બ્રિક્સ પાર્ક

પાવાગઢમાં જ કરી શકાશે યજ્ઞ

માતાજીના ભક્તો હવે યજ્ઞ કરી શકે તેવી પણ સુવિધા ઊભી કરવામાં આવી રહી છે. શ્રદ્ધાળુઓ નવચંડી, લક્ષચંડી, સતચંડી યજ્ઞ કરાવી શકે તે માટે યજ્ઞશાળા પણ બનાવવામાં આવી રહી છે. આ સિવાય પાવાગઢમાં દૂધિયા તળાવની આસપાસ 51 શક્તિપીઠની રેપ્લીકા દેરી સ્વરૂપે મુકાશે અને ભવ્ય રોનક કરવામાં આવશે. આ સિવાય તમામ નાના મંદિરની આજુબાજુમાં પ્રદક્ષિણા કરવા ભક્તો માટે પરિક્રમા પથનું પણ નિર્માણ થઈ રહ્યું છે. 

રોપ-વે સાથે લિફ્ટની પણ સુવિધા

પાવાગઢની યાત્રા કરી ચૂકેલા તમામ યાત્રાળુઓ ત્યાંની રોપ-વે સુવિધા વિશે તો વાકેફ હશે. પરંતુ, રોપ-વેમાંથી ઉતર્યા બાદ પણ લોકોને 500 જેટલાં પગથિયાં ચઢવા પડે છે, જેના કારણે વૃદ્ધો અને દિવ્યાંગ વ્યક્તિઓને તકલીફ પડે છે. તેથી, હવે ભક્તોને રોપ-વે બાદ પણ મુશ્કેલીનો સામનો ન કરવો પડે તેના માટે પાવગઢ મંદિર સુધી લિફ્ટનું નિર્માણકાર્ય થઈ રહ્યું છે. આ લિફ્ટનું કામકાજ પણ લગભગ 6 મહિનામાં શરુ થઈ જશે. 

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments