Frog Found in Hemchandracharya University Meal: પાલનપુરમાં મદદનીશ કમિશનર આદિજાતિ વિકાસ વિભાગ દ્વારા પાટણની હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી કેમ્પસમાં કુમાર છાત્રાલયનું સંચાલન કરવામાં આવે છે. જ્યાં વારંવાર હલકી ગુણવત્તાનું ભોજન તેમજ રહેવાની અગવડોની રજૂઆત કરવામાં આવી હતી. તેમ છતાં ભોજનાલયમાં વિદ્યાર્થીઓને પિરસવામાં આવતી ભોજનની થાળીમાં વટાણાના શાકમાં દેડકો જોવા મળતા હોબાળો થયો હતો. આ ઘટનાનો ઉગ્ર વિરોધ દર્શાવી વિદ્યાર્થીઓએ રેલી યોજી કલેક્ટરને આવેદન પત્ર આપી ન્યાયની માગ કરી હતી.
શાકમાંથી નીકળ્યો દેડકો
કુમાર છાત્રાલયના ભોજનાલયમાં જયારે વિદ્યાર્થીઓ જમવા બેઠા હતા ત્યારે એક વિદ્યાર્થીની ભોજનની થાળીમાં પીરસાયેલા વટાણાના શાકમાં દેડકો આવી ગયો હતો. આ ઘટનાથી કુમાર છાત્રાલયના વિદ્યાર્થીઓ રોષે ભરાયા હતાં. બીજા દિવસે સોમવારે તમામ વિદ્યાર્થીઓએ કુમાર છાત્રાલયથી પાટણ કલેક્ટર કચેરી સુધી રેલી અને સુત્રોચાર સાથે કલેક્ટરને આવેદનપત્ર આપ્યું હતું. આ સાથે જ વિદ્યાર્થીઓએ હોસ્ટેલમાં રહેવાની અગવડતા અને ખાવાની ખરાબ ગુણવત્તા બાબતે પાલનપુરના સંચાલકોને પણ રજૂઆત કરી છે.
આ પણ વાંચોઃ ગુજરાત યુનિવર્સિટી કેમ્પસમાં વિદ્યાર્થિની સાથે યુવકે બિભત્સ હરકતો કરતાં ભારે હોબાળો
વિદ્યાર્થીઓએ વારંવાર રજૂઆત કર્યા છતાં છાત્રાલયમાં ચકાસણી માટે આવે ત્યારે ટૂંક જ સમયમાં સગવડો પૂરી પાડવાના વાયદા કરીને જતા રહે છે અને વિદ્યાર્થીઓને એકપણ માગ પૂરી થતી નથી. જોકે, આ વખતે કુમાર છાત્રાલયના વિદ્યાર્થીઓએ માગ ન સંતોષાય તો પાલનપુર તેમજ ગાંધીનગર ખાતે આંદોલનની ચિમકી ઉચ્ચારી છે.