Sabarkantha News : સાબરકાંઠામાંથી એક વિચિત્ર ઠગ ટોળકી સામે આવી છે. આ લોકો સાધુના વેશમાં લોકોને લૂંટવાનું કામ કરે છે. સાબરકાંઠાના હિંમતનગરના ગાંભોઈ વિસ્તારમાં સાધુ હાથી સાથે હતાં, જ્યાં હાથીના દર્શન કતરવા જતાં પરિવાર પાસેથી સાધુના વેશે આવેલા ઠગોએ 30 લાખ રૂપિયાની છેતરપિંડી કરી હતી.
શું હતી સમગ્ર ઘટના?
સાબરકાંઠાના ગાંભોઈના રામપુર ગામના મનોહરસિંહ ચૌહાણ નિવૃત્ત બેન્ક કર્મચારી છે. આશરે 15 દિવસ પહેલાં હાથી સાથે નીકળેલા ચાર સાધુઓએ તેને રસ્તામાં રોકી સો રૂપિયાની અને 3 હજાર રૂપિયાના ઘીના ડબ્બા દક્ષિણા રૂપે માંગ્યા. આ તમામ વસ્તુઓ આપી દીધાં બાદ સાધુના રૂપે ફરતી આ ટોળકીના ચારેય લોકો અલગ-અલગ દિવસે મનોહરના ઘરે પહોંચ્યા અને ત્યાં જઈને તાંત્રિક વિધિ કરવાનું શરૂ કરી દીધું. બાદમાં વ્યક્તિને મેલી વિદ્યા થઈ હોવાનું જણાવી ડર બતાવ્યો કે કોઈપણ અયોગ્ય કામ થશે તો ઘરના તમામ લોકોનું મોત થઈ જશે.
પોલીસે કરી કાર્યવાહી
ચારેય સાધુઓએ વ્યક્તિને મોતનો ડર બતાવી અલગ-અલગ જગ્યાએથી ફક્ત 15 દિવસમાં જ 30 લાખ રૂપિયા પડાવી લીધાં. તેમ છતાં તેમની માંગણી બંધ ન થતાં કંટાળીને વ્યક્તિએ હિંમતનગર પોલીસ સ્ટેશન ફરિયાદ નોંધાવી. ફરિયાદ બાદ પોલીસે તપાસ હાથ ધરી અને સાધુના રૂપે લોકોને છેતરતી ગેંગમાંથી એક આરોપીની ઝડપી લીધો છે અને સમગ્ર મુદ્દામાલ પણ જપ્ત કરી લીધો છે. હાલ પોલીસ આ મામલે વધુ તપાસ કરી અન્ય આરોપીને શોધી રહી છે.