– નડિયાદ ડિસ્ટ્રિક્ટ કોર્ટે બે હજારનો દંડ પણ ફટકાર્યો
– 2023 માં બનેવીએ ઠપકો આપવા આવેલા સાળાને ગળું દબાવી મોતને ઘાટ ઉતાર્યો હતો
મહેમદાવાદ તાલુકાના રાસ્કામાં રહેતા વિજયભાઈ દંતાણીની બહેન સુનીતાબેનના લગ્ન મુકેશભાઈ ઉર્ફે મહેશભાઈ તારાભાઈ દંતાણી (રહે. દેવગાળા, તા.ધંધુકા જી. અમદાવાદ) સાથે થયા હતા. મુકેશભાઇ પત્ની સુનિતાબેન સાથે વિજયભાઈના ઘર નજીક રાસ્કામાં રહી કામ ધંધો કરતો હતા. દરમિયાન સાળા-બનેવી વચ્ચે સંબંધમાં તિરાડ પડી હતી. પરંતુ ભાઈ બહેન એકબીજા સાથે બોલતા હતા. તા.૧૯ માર્ચ, ૨૦૨૩ની સાંજે સુનીતા ઘરે વિજયભાઈના કપડા ધોતી હતી, ત્યારે ઘરે આવી પહોંચેલા મુકેશે પોતાની પત્નીને સાળાના કપડાં ધોતી જોઈ ગુસ્સે ભરાયો હતો અને પત્ની સુનિતા સાથે ઝગડો કરવા લાગ્યો હતો. જેની જાણ થતાં વિજયભાઈ આવી બનેવી મુકેશભાઈને સમજાવતો હતો. ત્યારે મુકેશભાઈએ તું અમારા પતિ-પત્ની વચ્ચેના ઝઘડામાં ના પડ કહી ઉશ્કેરાઈ વિજયભાઈને મોઢા અને છાતીના ભાગે ફેટો મારી તથા ગળુ દબાવી દીધુ હતું. જ્યાં વિજયભાઈનું મોત નિપજ્યું હતું.
આ બનાવ સંદર્ભે પ્રકાશભાઈ દંતાણીએ મહેમદાવાદ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપતા પોલીસે મુકેશભાઈ દંતાણી સામે ગુનો નોંધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસે આરોપીને ઝડપી પાડયો હતો અને ચાર્જશીટ કોર્ટમાં રજૂ કરી હતી. આ કેસ પ્રિન્સીપાલ ડિસ્ટ્રીકટ જજ એન.એ.અંજારીયાની કોર્ટમાં ચાલી જતા સરકારી વકીલે ૧૪ સાહેદોની જુબાની તથા ૧૭ જેટલા દસ્તાવેજી પુરાવા સાથે દલીલો કરી હતી.
જેને ધ્યાનમાં રાખીને કોર્ટે આરોપી મુકેશભાઈ દંતાણીને કસૂરવાર ઠેરવી ઈ.પી.કો.કલમ ૩૦૪ પાર્ટ ટુમાં દસ વર્ષની સખત કેદની સજા તથા ૨૦૦૦નો દંડ ફટકાર્યો છે.