– દબાણ અને ઢોરના લીધે લોકો પરેશાન
– તાલુકા સ્વાગત કાર્યક્રમમાં જિલ્લા કલેક્ટરની ટકોર છતાં પાલિકા આયોજન કરવામાં નિષ્ફળ
કપડવંજમાં તાજેતરમાં યોજાયેલા તાલુકા સ્વાગત કાર્યક્રમમાં તાલુકાના જુદા-જુદા વિભાગોના અધિકારીઓ પણ હાજર રહ્યા હતા. ત્યારે શહેરમાં રખડતા ઢોર પર અંકુશ લાવવા પર જિલ્લા કલેક્ટરે ભાર મૂક્યો હતો. દર ત્રણ મહિને કપડવંજમાં રખડતા ઢોર સાચવવા માટે ૨૭ લાખ રૂપિયાની ગ્રાંટ ફાળવવામાં આવે છે, જેમાં રખડતા ઢોરોને સાચવવાનો સમાવેશ કરાય છે, જેથી આ દિશામાં કામ કરવા માટે નગરપાલિકાને સૂચન કરાયું હતું. જો કે, આ વચ્ચે કપડવંજમાં હજુ પણ રખડતા ઢોર મામલે સ્થિતિ ઠેરને ઠેર છે.
શહેરના તમામ વિસ્તારોમાં દર 100 મીટરના અંતરે જાહેર માર્ગો પર રખડતા ઢોરોએ અડ્ડો જમાવેલો જોવા મળી રહ્યો છે.
એકતરફ રોડ પર દબાણો, આડેધર પાકગ અને તેની વચ્ચે આ રખડતા ઢોરો ભટકતા હોવાથી નાગરીકો ભારે હાલાકી ભોગવી રહ્યા છે. ત્યારે પાંજરાપોળમાં ગાયોને સાચવવા લાખો રૂપિયાની ગ્રાંટ મળતી હોવા છતાં આ પરીસ્થિતિ સર્જાતા નગરપાલિકાની કામગીરી સામે પ્રશ્નાર્થ સર્જાયા છે. ત્યારે લાખો રૂપિયાની ગ્રાન્ટ ક્યાં વપરાઈ રહી છે તે તપાસનો વિષય બન્યો છે. તાકીદે તંત્ર સમસ્યાનું નિરાકરણ લાવે તેવી માંગણી ઉઠી છે.