– રોડ નહીં બનાવાય તો આંદોલનની ચિમકી
– 10 હજાર લોકોનો રસ્તા માટે રઝળપાટ છતાં તંત્રનું મૌન : ઉકેલ લાવવા ઉચ્ચકક્ષાએ રજૂઆત
બાલાસિનોર તાલુકામાં આવેલી જેઠોલી ગ્રામ પંચાયત વિસ્તારમાં પાંચ પરા વિસ્તાર સહિત જેઠોલી ગ્રામપંચાયતમાં અંદાજિત દસ હજારની વસતી છે. ત્યારે અહીં પાકો માર્ગ જ નથી. ગામમાં આવેલા પરા વિસ્તાર પૈકી લવારીયા અને વાવલી જે બંને પરા વિસ્તારોમાં પાંચ હજારથી વધુ લોકો વસવાટ કરી રહ્યા છે. જયારે આ બંને પરા વિસ્તારના રહેવાસીઓને આ જેઠોલી ગામ અને તાલુકા મથક સહિતના અન્ય ગામો ચોમાસાંની તુમાં અનેક વખતે પાણી આવવાથી સંપર્ક વિહોણા પણ બન્યા છે. ત્યારે આ વિસ્તરામાં ૧૦૮ સહીત પશુ દવા કરવા આવતી ગાડીઓ પણ પ્રવેશી શકતી નથી. સગર્ભા મહિલાઓને ખાટલાઓમાં લઈને એકથી દોઢ કિલોમીટર આવવું પડતું હોય છે. પ્રાથમિક શાળાના બાળકો ચોમાસાની તુમાં કેડસમા પાણીમાંથી શાળાએ અભ્યાસ કરવા મજબૂર બને છે. ત્યારે પાકો રોડ બનાવવા અંગે પંચાયત વિભાગના અધિકારીઓ, સ્થાનિકો નેતાઓને વારંવાર રજૂઆત કરવા છતાં પરિણામ નહીં મળતા અંતે જેઠોલીના સરપંચે આ અંગે મુખ્યમંત્રીને લેખિત રજૂઆત કરી છે. ત્યારે સત્વરે કોઈ કાર્યવાહી કે પાકો રોડ નહીં બને તો આંદોલનની ચિમકી ઉચ્ચારી છે.