– પાણીજન્ય અને મચ્છરજન્ય રોગચાળાએ માથું ઉચક્યું
– 3 મહિનામાં આણંદ સિવિલમાં 40,258 ઓપીડી નોંધાઈ, 11,300 દર્દીઓને દાખલ કરાયા : ડબલ ઋતુ, દૂષિત પાણીના કારણે રોગચાળો વકર્યો
આણંદ જિલ્લામાં ચોમાસાની ઋતુ દરમિયાન ભારે વરસાદની સાથે અસહ્ય ગરમી પડી હતી. તેમજ ભેજયુક્ત વાતાવરણ સર્જાતા જિલ્લાવાસીઓએ બેવડી ઋતુનો અનુભવ કર્યો હતો. ચોમાસામાં મચ્છરજન્ય રોગચાળાએ માથુ ઉંચકતા જિલ્લામાં ચાર મહિનામાં ડેન્ગ્યૂના ૬૨ અને મેલેરિયાના ૧૮ કેસો નોંધાયા હતા. ઉપરાંત શરદી, ઉધરસ, ઝાડા-ઉલટી, તાવ, શરીરનો દુઃખાવો, માથાનો દુઃખાવો સહિતના રોગના મોટી સંખ્યામાં દર્દીઓ આણંદ સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર માટે આવી રહ્યાં છે. તેમજ ખાનગી દવાખાનાઓમાં પણ દર્દીઓની લાંબી લાઈનો લાગી છે.
આણંદ સિવિલ હોસ્પિટલના એમડી ડૉ. અમર પંડયાએ જણાવ્યું હતું કે, સિવિલમાં જૂનથી ઓગસ્ટ મહિના દરમિયાન ૪૦,૨૫૮ ઓપીડી નોંધાઈ હતી. તેમજ ૧૧,૩૦૦ દર્દીઓને દાખલ કરવામાં આવ્યાં હતા. ઉપરાંત લેબના વિવિધ પેરામીટર પ્રમાણે દર્દીઓના ૨,૧૪,૮૭૮ ટેસ્ટ કરાવવામાં આવ્યા હતા. છેલ્લા ત્રણ મહિનાથી ચોમાસાના કારણે ભેજવાળુ વાતાવરણ રહેતું હોય છે. વરસાદ, ગરમી અને ઠંડી એક જ દિવસે એક સાથે અનુભવાય તેવી સિઝન હોવાથી વાયરલજન્ય ઈન્ફેક્શન, મચ્છરોનો ઉપદ્રવ વધ્યો છે. જેથી સિવિલમાં દર્દીઓની સંખ્યામાં વધારો થયો છે. આણંદ જિલ્લા આરોગ્ય વિભાગના ડૉ. રાજેશ પટેલે જણાવ્યું હતું કે, છેલ્લા ત્રણ મહિનામાં ડેન્ગ્યૂના ૬૨ અને મેલેરિયાના ૧૮ કેસ જિલ્લામાં નોંધાયા છે.