Bhushan Bhatt vs Mumtaz Patel : રાજ્યમાં આ વર્ષે દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર સહિતના અનેક વિસ્તારોમાં ભારે વરસાદના કારણે પૂરની સ્થિતિ સર્જાઈ હતી. જેના કારણે અનેક વિસ્તારોના ખેડૂતોના પાકને મોટાપાયે નુકસાન થયું છે. જેને લઈને કોંગ્રેસના મહિલા આગેવાન મુમતાઝ પટેલે પત્ર લખીને માંગ કરી છે કે, ભરૂચ જિલ્લામાં અતિવૃષ્ટિ બાબતે તાત્કાલિક સર્વે કરાવવામાં આવે. ખેડૂતોને નુકસાનીનું વળતર અને ઘરોને થયેલી નુકસાનીનું પણ વળતર ચૂકવવામાં આવે. પૂરના કારણે મૃત્યુ પામેલા લોકોના પરિવારને વળતર આપવામાં આવે. ત્યારે હવે પૂર રાહત અને વળતર મુદ્દે ભાજપ અને કોંગ્રેસના નેતાઓ સોશિયલ મીડિયા પર બાખડ્યા છે. અખિલ ભારતીય કોંગ્રેસ સમિતિના પ્રતિનિધિ મુમતાઝ અહેમદ પટેલે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને ભરૂચ જિલ્લા કલેક્ટર તુષાર સુમેરાને પત્ર લખ્યો છે. જેને મુમતાઝ પટેલે સોશિયલ મીડિયા પર પણ શેર કર્યો છે. જેના પર જમાલપુર-ખાડિયાના ભાજપ નેતા ભૂષણ ભટ્ટે આકરી પ્રતિક્રિયા આપી છે.
…પરંતુ દિલ્હીના ઘરે બેસીને આ પત્ર લખ્યો તે દુઃખદાયક : ભૂષણ ભટ્ટ
ભાજપના પૂર્વ ધારાસભ્ય ભૂષણ ભટ્ટે ‘X’ પર લખ્યું કે, ‘મુમતાઝજી સરકાર કોઈ પણ પ્રકારની આફત હોય એમાં અગ્રેસર બનીને ઊભી હોય છે. સ્પષ્ટ નીતિ અને ચોક્કસ નિર્ણય સુધી પહોંચવું એ મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ અને ગુજરાત સરકારનો ધ્યેય રહ્યો છે. મને આનંદ થયો આ પત્ર તમે લખ્યો ખૂબ સારી વાત છે ધ્યાન દોરવાનું, પરંતુ દિલ્હીના ઘરે બેસીને આ પત્ર લખ્યો તે દુઃખદાયક છે. જ્યારે આફત આવી ત્યારે સરકાર રાતદિવસ જોયા વગર પ્રજાના સેવાકીય કાર્યમાં ઉતરી ગયા હતા અને આપ ક્યાં હતા?’ વધુમાં ભૂષણ ભટ્ટે કટાક્ષ કરતાં લખ્યું કે, ‘પત્ર લખો સોશિયલ મીડિયા પર નાખો… આવું તમે શીખી ગયા? પ્રવાસી નહીં પરંતુ નિવાસી બનો એવી એક અપીલ છે.’
મુમતાઝ પટેલે મુખ્યમંત્રી અને કલેક્ટરને લખ્યો પત્ર
દિવંગત અહેમદ પટેલના પુત્રી મુમતાઝ પટેલે પત્ર લખીને માંગ કરી છે કે, ભરૂચ જીલ્લામાં અતિવૃષ્ટિને કારણે ખેડૂતોને થયેલા પાક નુકસાનનો સર્વે કરાવી યોગ્ય વળતર આપવામાં આવે. ભરૂચ જિલ્લાના વાલીયા, ઝઘડીયા, નેત્રંગ, હાંસોટ તથા અન્ય તાલુકાઓના ગામોમાં હાલમાં થયેલ ભારે વરસાદ અને પૂરના લીધે ખેડૂતોને ખેતીમાં તથા જિલ્લાના અમુક વિસ્તારોમાં પાણી ફરી વળવાથી, ઘરોમાં પાણી ઘુસી જવાથી ઘરવખરીને પણ નુકસાન થયેલ છે. ચાલુ સિઝન દરમ્યાન છેલ્લા અઢી માસથી વરસાદ પડતો હોવાથી ખરીફ સિઝનનું વાવેતર થઈ શક્યું નથી. ખેડૂતોને આર્થિક રીતે નુકસાન ગયેલ છે. તથા પૂરના કારણે જાનહાની થયેલ છે. તો સરકાર તરફથી આનું વળતર તાત્કાલિક ધોરણે ચૂકવવામાંં આવે તેવી મારી માંગણી છે.