Chaitar Vasava Protested At Rajpipla Collector Office: દેડીયાપાડાથી આપના ધારાસભ્ય ચૈતર વસાવા તેમના સમર્થકો દ્વારા રાજપીપળા કલેક્ટર કચેરીમાં નર્મદા જિલ્લાના અનેક પ્રશ્નોને લઈને રાજૂઆત કરવા પહોંચ્યા હતા. આ દરમિયાન તેમણે ભાજપ પર ગંભીર આરોપ લગાવતા કહ્યું કે, ‘કમલમના આદેશ મુજબ કર્મચારીઓ કામ કરે છે. અધિકારીઓ લોકો માટે કામ કરે નહીં કે ભાજપ માટે.’
MLA ચૈતર વસાવા અને પોલીસ વચ્ચે ઘર્ષણ
ધારાસભ્ય ચૈતર વસાવા તેમના સમર્થકો રાજપીપળા કલેક્ટર કચેરીમાં જતા પોલીસે રોકતા ઘર્ષણ થયું હતું. આ દરમિયાન તેમણે કહ્યું હતું કે, ‘તમે તમારૂ કામ કરો અને અમને અમારૂં કામ કરવા દો. અમે ડરવાવાળા લોકો નથી. અમારા આદિવાસીઓ અંગ્રેજો સામે પણ લડ્યા છે. ક્યારેય ગુલામી અમે સ્વીકાર કરી નથી. કોઇના મગજમાં આવો ધૂમાડો હોય તો કાઢી નાખજો. તમે આટલા બધાં બુટલેગરોને દારૂની પરમીશન આપી છે તો તેમને કેમ અટકાવતા નથી.’
ચૈતર વસાવાએ પોલીસ દારૂ-જુગારના હપ્તા લેતી હોવાનો પણ આક્ષેપ લગાવતા કહ્યું કે, ‘આ બધુ બંધ કરી દેજો, 10 પેટીના 5 લાખ, 20 પેટીના 10 લાખ..કોણ કોણ હપ્તા લે છે તે બધી યાદી છે અમારી પાસે. ગરીબો-મજૂરો પાસેથી દંડ ઉઘરાવો છો તો ખાડા પડ્યા છે તો અધિકારી કે કોન્ટ્રાક્ટર સામે કેમ ફરિયાદ નોંધતા નથી?’
આ પણ વાંચો: ભાજપના સભ્યપદ અભિયાનની પોલ ખૂલી, ટાર્ગેટ પૂરો કરવા વાલીઓને ટાર્ગેટ કરાતાં શાળાને નોટીસ
ઉગ્ર આંદોલનની ચીમકી આપી
ઉગ્ર આંદોલનની ચીમકી આપતા ચૈતર વસાવાએ કહ્યું કે, ‘નર્મદા જિલ્લામાં શિક્ષણની સુવિધા નથી, હોસ્પિટલમાં મશીનો નથી, રોડ-રસ્તાની સુવિધા નથી, રોજગાર અને પાયાની સુવિધાનો અભાવ છે. અમે કરેલી રજૂઆતો જો 5 દિવસમાં પૂરી કરવામાં નહીં આવે અને સભ્ય નોંધણી કરતા અધિકારીઓ સામે કાર્યવાહી નહીં કરે તો ઉગ્ર આંદોલન કરવામાં આવશે.’