ટ્રુડો સરકારના એક મંત્રીએ કહ્યું કે અમિત શાહે કેનેડામાં શીખ અલગતાવાદીઓ સામે કાર્યવાહી કરવાનો આદેશ આપ્યો હતો. રોઇટર્સના અહેવાલ મુજબ કેનેડાના નાયબ વિદેશ મંત્રી ડેવિડ મોરિસને મંગળવારે સંસદીય પેનલમાં આ નિવેદન આપ્યું હતું. મોરિસને સંસદીય પેનલને કહ્યું કે, તેણે અમેરિકન અખબાર વોશિંગ્ટન પોસ્ટને કહ્યું છે કે, ભારતના ગૃહમંત્રી આ મામલામાં સામેલ છે. મોરિસને કહ્યું કે તેમણે જ ભારત-કેનેડા બેઠક સાથે જોડાયેલી માહિતી અમેરિકન અખબારને આપી હતી. મોરિસને કહ્યું, વોશિંગ્ટન પોસ્ટના એક પત્રકારે મને ફોન કર્યો અને પૂછ્યું કે શું આ (અમિત શાહ) એ જ વ્યક્તિ છે. મેં કહ્યું હા, તે એ જ વ્યક્તિ છે. જો કે, આ સમયગાળા દરમિયાન મોરિસને વધુ માહિતી કે પુરાવા આપ્યા ન હતા. આ પહેલીવાર છે જ્યારે કેનેડિયન અધિકારીએ ખુલ્લેઆમ ભારત સરકારના મંત્રીનું નામ લીધું છે. અગાઉ 16 ઓક્ટોબરે જસ્ટિન ટ્રુડોએ એક કમિશન સમક્ષ કહ્યું હતું કે ગયા વર્ષે સપ્ટેમ્બર 2023માં જ્યારે તેણે હરદીપ સિંહ નિજ્જરની હત્યામાં ભારતીય એજન્ટોની સંડોવણીનો આરોપ લગાવ્યો હતો, ત્યારે તેમની પાસે માત્ર ગુપ્ત માહિતી હતી. કોઈ નક્કર પુરાવા નહોતા. વોશિંગ્ટન પોસ્ટે ગૃહમંત્રીનું નામ લીધું
14 ઓક્ટોબરે અમેરિકન મીડિયા હાઉસ વોશિંગ્ટન પોસ્ટે કેનેડાના અધિકારીઓને ટાંકીને દાવો કર્યો હતો કે ગૃહમંત્રી અમિત શાહ અને ભારતીય ગુપ્તચર એજન્સી RAWએ સંયુક્ત રીતે કેનેડામાં ગુપ્ત માહિતી એકત્ર કરવા અને ખાલિસ્તાની આતંકવાદીઓને હુમલો કરવાની મંજૂરી આપી હતી. ભારતીય વિદેશ મંત્રાલય અને કેનેડામાં ભારતીય હાઈ કમિશને આ બાબતે તાત્કાલિક કોઈ ટિપ્પણી કરી ન હતી. જો કે, ભારત સરકારે અગાઉના કેનેડાના આવા તમામ આરોપોને પાયાવિહોણા ગણાવીને કોઈપણ રીતે સામેલ થવાનો ઈન્કાર કર્યો છે. મોરિસને જણાવ્યું હતું કે વોશિંગ્ટન પોસ્ટને શા માટે પસંદ કર્યું
કેનેડિયન અખબાર સીબીસી ન્યૂઝ અનુસાર, ડેવિડ મોરિસન મંગળવારે જાહેર સુરક્ષા અને રાષ્ટ્રીય સુરક્ષા સમિતિ સમક્ષ જુબાની આપવા આવ્યા હતા. આ કમિટી સાથે સંકળાયેલા એમપી રાકલ ડેન્ચોએ મોરિસનને પૂછ્યું કે આ માહિતી વોશિંગ્ટન પોસ્ટ સુધી કેવી રીતે પહોંચી? આ અંગે મોરિસને કહ્યું- મેં જાણીજોઈને વોશિંગ્ટન પોસ્ટ પસંદ કર્યું. હકીકતમાં, અમને એવું અખબાર જોઈતું હતું જે આંતરરાષ્ટ્રીય હોય અને અમારી (કેનેડિયન) કહાની કહી શકે. આ માટે મેં એક એવા પત્રકારને પસંદ કર્યો કે જેમને આ બાબતનો લાંબો અનુભવ હતો અને આ વિષય પર અગાઉ પણ ઘણી વખત લખ્યું હતું. કેનેડિયન પોલીસે જણાવ્યું કે, ભારતીય એજન્ટોએ ઘણી માહિતી એકઠી કરી હતી
કેનેડા અને ભારત વચ્ચે તાજેતરનો વિવાદ 13 ઓક્ટોબરે શરૂ થયો હતો. કેનેડાએ ભારતને પત્ર મોકલ્યો હતો. એવું કહેવામાં આવ્યું હતું કે ભારતીય હાઈ કમિશનર સંજય કુમાર વર્મા અને અન્ય રાજદ્વારીઓ એક કેસમાં શંકાસ્પદ છે. ભારતે તેના રાજદ્વારીઓને શંકાસ્પદ ગણાવવાનો વિરોધ કર્યો હતો અને કેનેડાના રાજદૂતને બોલાવ્યા હતા. થોડા કલાકો પછી ભારતે સંજય કુમાર વર્મા અને અન્ય રાજદ્વારીઓને પાછા બોલાવ્યા. આ પછી કેનેડાએ પણ ભારતમાંથી તેના 6 રાજદૂતોને પરત ફરવાનો આદેશ આપ્યો હતો. બીજા દિવસે કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રુડોએ ભારત સરકારના એજન્ટો પર ગુપ્ત માહિતી એકત્ર કરવાનો, ટાર્ગેટ કિલિંગ કરવાનો, કેનેડિયન નાગરિકોને ધમકાવવાનો અને હિંસામાં સામેલ કરવાનો આરોપ મૂક્યો હતો. 14 ઓક્ટોબરે પ્રેસ-કોન્ફરન્સ યોજી હતી
કેનેડાના પોલીસ કમિશનર માઈક ડુહામે પણ 14 ઓક્ટોબરે પ્રેસ-કોન્ફરન્સ યોજી હતી. તેમણે એમાં કહ્યું હતું કે કેનેડામાં ભારતીય રાજદ્વારીઓ અને અધિકારીઓએ તેમના પદનો દુરુપયોગ કર્યો છે અને ગુપ્ત રીતે ભારત સરકાર માટે માહિતી એકત્રિત કરી છે. આ માટે ભારતીય અધિકારીઓએ એજન્ટોનો ઉપયોગ કર્યો હતો. અધિકારીએ જણાવ્યું હતું કે, આમાંના કેટલાક એજન્ટોને ભારત સરકાર સાથે કામ કરવા માટે ધમકી આપવામાં આવી હતી અને દબાણ કરવામાં આવ્યું હતું. તેમણે કહ્યું કે ભારત દ્વારા એકત્રિત કરવામાં આવેલી માહિતીનો ઉપયોગ દક્ષિણ એશિયાના લોકોને નિશાન બનાવવા માટે કરવામાં આવે છે. કેનેડામાં પોલીસ અધિકારીઓએ બીજા દિવસે 16 ઓક્ટોબરે આરોપ લગાવ્યો કે લોરેન્સ ગ્રુપ દ્વારા ખાલિસ્તાનીઓ અને દક્ષિણ એશિયાઈ મૂળના લોકોને નિશાન બનાવવામાં આવ્યા હતા. કેનેડાના પોલીસ વિભાગના આરસીએમપીમાં આસિસ્ટન્ટ કમિશનર બ્રિગેટ ગૌવિને જણાવ્યું હતું કે ભારત સરકારના લોરેન્સ ગ્રુપનો ઉપયોગ કરવામાં આવ્યો છે. બીજી બાજું, આની અસર હવે ત્યાં રહેતા હિન્દુઓ પર પણ જોવા મળી રહી છે. કેનેડા સરકારે ત્યાં દિવાળીનો તહેવાર રદ્દ કરી દીધો છે. હકીકતમાં, કેનેડાના વિપક્ષી નેતા પિયરે પોઈલીવરે અને કન્ઝર્વેટિવ પાર્ટી દ્વારા 2024ની દિવાળીની ઉજવણી રદ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ પછી હિન્દુ, શીખ, બૌદ્ધ અને જૈન સમુદાયમાં ભારે નારાજગી જોવા મળી રહી છે. કેનેડિયન હિંદુ ફોરમે આ પગલાની નિંદા કરી છે અને તેને કેનેડાના વિવિધ સાંસ્કૃતિક સમુદાયો પ્રત્યે સંવેદનહીનતાનું પ્રતિક ગણાવ્યું છે. તેમણે કહ્યું કે, પ્રકાશ અને એકતાનો તહેવાર એવા દિવાળીની ઉજવણી ન કરવી એ સમુદાયના એક મોટા વર્ગની ઉપેક્ષા છે. કેનેડા હિન્દુ ફોરમનું માનવું છે કે દિવાળીની ઉજવણી રદ કરવાનો નિર્ણય રાજકીય તુષ્ટિકરણનું પરિણામ છે. તેમણે એમ પણ કહ્યું કે અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઈડન અને અવકાશયાત્રી સુનિતા વિલિયમ્સ જેવા લોકોએ આ તહેવારનું સન્માન કર્યું છે, પરંતુ કેનેડાની કન્ઝર્વેટિવ પાર્ટીના નેતાએ સમુદાયોની લાગણીઓને અવગણી છે. આ નિર્ણય દર્શાવે છે કે કેટલાક નેતાઓ માટે સાંસ્કૃતિક સમારંભો અને ધાર્મિક મહત્વને રાજકારણ કરતાં ઓછું સ્થાન છે. આ સમાચાર પણ વાંચો… ‘બિશ્નોઇ ગેંગના તાર ભારતીય એજન્ટ્સ સાથે જોડાયેલા છે’:કેનેડા પોલીસનો મોટો દાવો, નિજ્જર હત્યા મામલે બંને દેશે 6-6 રાજદ્વારીને હાંકી કાઢ્યા પછી વિવાદ વકર્યો કેનેડાએ 15 ઓક્ટોબરે ભારત પર નવા આરોપો લગાવ્યા હતા. જસ્ટિન ટ્રુડોના પોલીસ અધિકારીઓએ જણાવ્યું હતું કે ભારત સરકારે કેનેડામાં ખાલિસ્તાનીઓ અને દક્ષિણ એશિયાઈ મૂળના લોકોને નિશાન બનાવવા માટે ગુનાહિત ગેંગ લોરેન્સ ગ્રુપનો ઉપયોગ કર્યો છે. સંપૂર્ણ સમાચાર વાંચવા માટે બ્લુ લાઈન પર ક્લિક કરો…